‘અમે અમેરિકા અને ઈઝરાયલને કચડી નાખવા સંપૂર્ણપણે તૈયાર છીએ’ : ઈરાન

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના વડાએ અમેરિકા અને ઈઝરાયલને ચેતવણી આપી છે કે ઈરાન કોઈપણ સંઘર્ષ માટે સંપૂર્ણપણે તૈયાર છે. હુસૈન સલામીએ કહ્યું કે ઈરાન યુદ્ધ શરૂ નહીં કરે, પણ તેના દુશ્મનોને હરાવવાની ક્ષમતા રાખે છે.
આખું મધ્ય પૂર્વ એક મોટા યુદ્ધની અણી પર ઉભું છે. મધ્ય પૂર્વના બે દેશો, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ ગમે ત્યારે લાખો લોકોના જીવ લઈ શકે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને તેના એક્સિસ ઓફ રેઝિસ્ટન્સને ધમકી આપી રહ્યા છે, પરંતુ ઈરાન હવે યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર જણાઈ રહ્યું છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC) ના કમાન્ડર-ઈન-ચીફ મેજર જનરલ હુસૈન સલામીએ શનિવારે કહ્યું હતું કે ઈસ્લામિક રિપબ્લિક યુદ્ધ શરૂ નહીં કરે, પરંતુ તે કોઈપણ મુકાબલા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
હુસૈન સલામીએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમે યુદ્ધ શરૂ કરીશું નહીં, પરંતુ અમે તેના માટે તૈયાર છીએ. ઈરાન જાણે છે કે તેના દુશ્મનોને કેવી રીતે હરાવવા અને તે એક ડગલું પણ પાછળ નહીં હટે. તેમણે વધુમાં કહ્યું, “અમે દુશ્મનનોની ધમકીઓ કે યુદ્ધની સંભાવનાથી ડરતા નથી – અમે લશ્કરી આક્રમણ અને મનોવૈજ્ઞાનિક યુદ્ધ બંને માટે તૈયાર છીએ.”
હુસૈન સલામીએ દુનિયા સમક્ષ ઈરાનની શક્તિની પ્રશંસા કરી અને સ્પષ્ટ કર્યું કે ઈરાન ઈઝરાયલ અને અમેરિકાના ખતરાથી ડરવાનું નથી. સલામીએ કહ્યું કે ઈરાન પાસે વિશાળ અને સંચિત ક્ષમતાઓ છે, જેને તે મુક્ત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું, “અમે દુશ્મનના નબળા પાસાંઓ જાણીએ છીએ, બધા અમારા નિશાનામાં છે. અમારી પાસે તેમના પર હુમલો કરવાની અને તેમને હરાવવાની બધી ક્ષમતાઓ છે, ભલે તેમને અમેરિકાનો સંપૂર્ણ ટેકો હોય.”
હુસૈન સલામીએ કહ્યું કે દુશ્મન ઈરાનને યુદ્ધ માટે ઉશ્કેરી રહ્યો છે અને તેને યુદ્ધની પકડમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે આગળ કહ્યું, “પરંતુ અમે જેહાદના લોકો છીએ, મોટા યુદ્ધો માટે અને દુશ્મનને હરાવવા માટે તૈયાર છીએ.”
ગયા વર્ષ વિશેની વાત કરતા સલામીએ કહ્યું, ગયુ વર્ષ પડકારોથી ભરેલું રહ્યું. સાચા લોકો સામે દુષ્ટ શક્તિઓ એક થઈ ગઈ.




