જૂનાગઢના પટેલ કેળવણી મંડળને બદનામ કરવાનું હીન ષડયંત્ર : ગર્લ્સ હોસ્ટેલ અંગેની અફવાઓ પાયાવિહોણી
સંસ્થાના ટ્રસ્ટમાં સ્થાન મેળવવાની લાલસામાં કેટલાક તત્વો દ્વારા દીકરીઓની સુરક્ષાના નામે ભ્રામક પ્રચાર કરાતો હોવાનો સંચાલક મંડળનો આક્ષેપ

સંસ્થાના ટ્રસ્ટમાં સ્થાન મેળવવાની લાલસામાં કેટલાક તત્વો દ્વારા દીકરીઓની સુરક્ષાના નામે ભ્રામક પ્રચાર કરાતો હોવાનો સંચાલક મંડળનો આક્ષેપ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ‘પટેલ કેળવણી મંડળ’ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને અમુક વર્તુળોમાં ફેલાવવામાં આવતી નકારાત્મક અફવાઓનું સખત શબ્દોમાં ખંડન કરવામાં આવ્યું છે. સંસ્થાએ સ્પષ્ટતા કરી છે કે ગર્લ્સ હોસ્ટેલની સુરક્ષા અને શિસ્ત બાબતે જે વાતો વહેતી કરવામાં આવી છે તે માત્ર સંસ્થાની છબી ખરડાવવાનું એક સુનિયોજિત ષડયંત્ર છે.
અફવા પાછળનું સત્ય : તાજેતરમાં “હોસ્ટેલના બાથરૂમમાં ૨૪ કલાક સુધી કોઈ યુવક રોકાયો હતો” તેવી પાયાવિહોણી વાત ફેલાવી સમાજમાં ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ થયો છે. આ અંગે સંસ્થાના સંચાલક મંડળે જણાવ્યું છે કે, હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા, સિક્યુરિટી ગાર્ડ અને મહિલા વોર્ડનની કડક દેખરેખ હોય છે. આવી કોઈ પણ ઘટના બની જ નથી. આ માત્ર ઉપજાવી કાઢેલી વાતો છે જેના પાછળ કોઈ તથ્ય નથી.
સત્તાની લાલસામાં સંસ્થાને નુકસાન : પ્રેસ યાદીમાં વધુમાં જણાવાયું છે કે, સંસ્થાના વહીવટમાં સ્થાન મેળવવા અથવા ટ્રસ્ટી બનવાની ઈચ્છા ધરાવતા કેટલાક આગેવાનો દ્વારા સંસ્થાની બદનામી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોતાના અંગત સ્વાર્થ માટે બે-ચાર વાલીઓને હાથો બનાવી વિવાદ ઉભો કરી દીકરીઓના મનોબળ અને વાલીઓના વિશ્વાસને ઠેસ પહોંચાડવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે સમાજહિત વિરુદ્ધ છે.
વાલીઓ અને સમાજને અપીલ : પટેલ કેળવણી મંડળ છેલ્લા ૫૭ વર્ષથી કાર્યરત છે અને ૮ જેટલા યુનિટો દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ આપી રહ્યું છે. માં ઉમિયાની સાક્ષી સાથે સંચાલકોએ વિશ્વાસ આપ્યો છે કે દીકરીઓની સુરક્ષા અને વિકાસ માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને લેવાતા રહેશે. સમાજના આગેવાનો અને વાલીઓએ કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો અને જો કોઈ વાસ્તવિક પ્રશ્ન હોય તો સીધો સંચાલકોનો સંપર્ક કરી સંવાદ દ્વારા ઉકેલ લાવવા વિનંતી કરવામાં આવી છે.
સંસ્થાની પ્રતિષ્ઠા જાળવવા અને દીકરીઓના ઉત્તમ ભવિષ્ય માટે સમાજની એકતા જરૂરી હોવાનું અંતમાં જણાવાયું છે.



