JUNAGADH CITY / TALUKO

જૂનાગઢમાં મેડિકલ ક્ષેત્રે વર્લ્ડ રેકોર્ડ : ડો. કેતન પરમાર દ્વારા ૭૦ વર્ષીય વૃદ્ધના થાપાના ગોળાનું ઓપરેશન માત્ર ૩ મિનિટ ૪૫ સેકન્ડમાં સફળતાપૂર્વક પૂર્ણ

"મેડિકલ મિરેકલ : ૭૦ વર્ષીય વૃદ્ધના ભાંગેલા થાપાના ગોળાનું ઓપરેશન પલકવારમાં પૂર્ણ કરતા ડો. કેતન પરમાર"

“મેડિકલ મિરેકલ: ૭૦ વર્ષીય વૃદ્ધના ભાંગેલા થાપાના ગોળાનું ઓપરેશન પલકવારમાં પૂર્ણ કરતા ડો. કેતન પરમાર”
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : તબીબી વિજ્ઞાનમાં ટેકનોલોજી અને તબીબોની અસાધારણ કુશળતા જ્યારે એકસાથે મળે છે ત્યારે અશક્ય લાગતા કાર્યો પણ શક્ય બને છે. આવો જ એક ઐતિહાસિક કિસ્સો જૂનાગઢની જાણીતી સાંગાણી હોસ્પિટલ ખાતે નોંધાયો છે, જ્યાં ખ્યાતનામ સર્જન ડો. કેતન પરમાર અને તેમની ટીમે ૭૦ વર્ષના વૃદ્ધ દર્દીના થાપાના ગોળાનું ઓપરેશન માત્ર ૩ મિનિટ અને ૪૫ સેકન્ડ ના ટૂંકા ગાળામાં પૂર્ણ કરી એક નવો વિશ્વ વિક્રમ (World Record) સ્થાપિત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત શુક્રવાર તારીખ ૨૦/૦૩/૨૦૨૬ ના રોજ એક ૭૦ વર્ષીય વૃદ્ધ બાઈક પરથી પડી જતાં તેમને થાપાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને થાપાનો ગોળો ભાંગી ગયો હતો. ઉંમરને ધ્યાનમાં લેતા આ પ્રકારની સર્જરી અત્યંત જટિલ અને જોખમી માનવામાં આવે છે. દર્દીને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢની સાંગાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યારે ડો. કેતન પરમાર દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આ પ્રકારની સર્જરીમાં કલાકોનો સમય જતો હોય છે, પરંતુ ડો. કેતન પરમારની વર્ષોની મહેનત, ચોકસાઈ અને આધુનિક પદ્ધતિના ઉપયોગથી આ ઓપરેશન માત્ર ૩ મિનિટ અને ૪૫ સેકન્ડ માં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. તબીબી જગતમાં આટલા ઓછા સમયમાં થયેલી આ સર્જરી એક મોટી સિદ્ધિ ગણાય છે.
તેમજ આ જટિલ સર્જરી સરકારની આયુષ્માન ભારત (PM-JAY) યોજના હેઠળ કરવામાં આવી છે. આયુષ્માન કાર્ડના સહારે દર્દીને કોઈ પણ પ્રકારના આર્થિક બોજ વગર વર્લ્ડ ક્લાસ તબીબી સુવિધા મળી છે, જે યોજનાની સફળતા દર્શાવે છે.
આ તકે ડો. કેતન પરમારના જણાવ્યા અનુસાર, ઓપરેશન બાદ ૭૦ વર્ષીય દર્દી અત્યારે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ઓપરેશનનો સમય અત્યંત ઓછો હોવાને કારણે વૃદ્ધ દર્દીને એનેસ્થેસિયાની અસર અને ઇન્ફેક્શનનું જોખમ પણ નહિવત રહ્યું છે, જે તેમના ઝડપી રિકવરીમાં મદદરૂપ સાબિત થશે.
જૂનાગઢના આંગણે ડો. કેતન પરમાર દ્વારા સ્થાપિત આ વર્લ્ડ રેકોર્ડ બદલ તેમને અને સાંગાણી હોસ્પિટલના સ્ટાફ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. જૂનાગઢ જેવા શહેરમાં આ કક્ષાની તબીબી નિષ્ણાત સેવા ઉપલબ્ધ હોવી તે સમગ્ર સોરઠ પંથક માટે ગૌરવની વાત છે.

Back to top button
error: Content is protected !!