JUNAGADH CITY / TALUKO

જૂનાગઢ તંત્રની ‘હિટલરશાહી’: ભવનાથ મેળાને લઈને સામાન્ય જનતા ‘કેદ’ અને VIP માટે ‘રેડ કાર્પેટ’!

પાંજરાપોળ અને ગોધવાવની પાટીથી જ રસ્તા સીલ કરી સ્થાનિકોને ઘરભેગા થતા અટકાવતું તંત્ર; માયાભાઈ આહિરના પુત્રની લક્ઝરી બસ સામે પોલીસ નતમસ્ત?

પાંજરાપોળ અને ગોધવાવની પાટીથી જ રસ્તા સીલ કરી સ્થાનિકોને ઘરભેગા થતા અટકાવતું તંત્ર; માયાભાઈ આહિરના પુત્રની લક્ઝરી બસ સામે પોલીસ નતમસ્ત?
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
​જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળાના નામે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા ‘તઘલખી’ નિર્ણયોએ ગિરનાર દરવાજાના રહીશોનું જીવવું હરામ કરી દીધું છે. વ્યવસ્થા જાળવવાના બહાને તંત્રએ વિવેકબુદ્ધિ નેવે મૂકી છે, જેના કારણે ગિરનાર દરવાજા વિસ્તારના સેંકડો પરિવારો આજે પોતાના જ ઘરમાં બંધક જેવી સ્થિતિમાં મુકાયા છે.

તંત્રનો અન્યાય: સ્થાનિકોને લાઠી, વગદારોને માર્ગ!
​સામાન્ય રીતે પ્રતિબંધ ગિરનાર દરવાજાથી હોય છે, પરંતુ આ વર્ષે તંત્રએ પોતાની જોહુકમી બતાવતા છેક પાંજરાપોળ અને ગોધવાવની પાટીથી જ રસ્તાઓ સીલ કરી દીધા છે. ત્યારે આ નિર્ણયને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જેમાં ​બીમાર અને વૃદ્ધો લાચારને હોસ્પિટલ જવું હોય કે દવા લેવા જવું હોય તો પણ કિલોમીટરો સુધી ચાલવું પડે છે.

રોજિંદા જીવન પર બ્રેક : દૂધ, શાકભાજી જેવી પાયાની જરૂરિયાતો માટે પણ સ્થાનિકોએ પોલીસ સાથે રકઝક કરવી પડે છે.

રહેવાસીઓ જ ‘ટાર્ગેટ’: પોતાના જ ઘરે જવા માટે આધાર કાર્ડ બતાવવા છતાં પોલીસ દ્વારા અપમાનિત કરવામાં આવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

VIP સંસ્કૃતિનો વરવો નમૂનો : જયરાજ આહિરની એસી બસને ‘ખાસ’ એન્ટ્રી?
​એક તરફ સ્થાનિકોને ટુ-વ્હીલર લઈ જવા દેવામાં આવતા નથી, ત્યારે બીજી તરફ કાયદાના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પ્રતિબંધ હોવા છતાં આલીશાન એસી બસ લઈને મેળામાં છેક અંદર સુધી પહોંચી ગયા હતા.

સળગતો સવાલ : શું પોલીસનો દંડો અને નિયમો માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના સ્થાનિકો માટે જ છે? શું રાજકીય વગ ધરાવતા લોકો માટે કાયદાના દરવાજા આપોઆપ ખુલી જાય છે?

સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ : ‘અન્યાયી નીતિ બંધ કરો’
​સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે ​રહેઠાણના પુરાવા (આધાર કાર્ડ) જોઈને અમને અમારા ઘર સુધી જવા દેવાની છૂટ આપવામાં આવે. અને આ ​પક્ષપાતી નીતિ બંધ કરી વગદારોના વાહનો પર પણ કડક પ્રતિબંધ લાદવામાં આવે.

Back to top button
error: Content is protected !!