અજાકસ ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા આયોજિત “માતૃશ્રી રમાબા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ – ૨૦૨૫”

અજાકસ ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા આયોજિત
“માતૃશ્રી રમાબા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ – ૨૦૨૫”

ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : અજાકસ ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા તારીખ ૧૪/૦૯/૨૦૨૫ના રોજ જૂનાગઢના કૃષિ યુનિવર્સિટી પરિસરમાં આવેલા સરદાર પટેલ સભાગૃહ ખાતે “માતૃશ્રી રમાબા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ – ૨૦૨૫”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી, તેમનામાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારવાનો હતો.
આ કાર્યક્રમમાં લગભગ ૧,૦૦૦થી વધુ લોકોની ઉપસ્થિતિમાં મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.
આ સમારોહમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના “શિક્ષિત બનો”ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવાની નેમ સાથે, ધોરણ ૮થી લઈને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરનાર ૧૦૬ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત, આશરે ૨૫૦ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ વાર્ષિક કાર્યક્રમ દર વર્ષની જેમ આ વખતે પણ વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે એક મજબૂત મંચ સાબિત થયો. મંચસ્થ મહાનુભાવોએ તેમના પ્રેરણાદાયી વક્તવ્યો દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વધુ ઉંચાઈઓ હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. આ સમારોહમાં યુવાનોમાં નવું જોમ અને પ્રેરણા જગાડવા માટે એક એનિમેટેડ દસ્તાવેજી ક્લિપ પણ દર્શાવવામાં આવી, જેનો ઉદ્દેશ યુવાનોને હતાશા અને નિરાશામાંથી બહાર આવી, સંઘર્ષ સામે ટકી રહેવાની શક્તિ પ્રદાન કરવાનો હતો.
અજાકસ ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં શિક્ષણ પ્રત્યેની નવી ચેતના અને પ્રેરણા જગાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન સંસ્થાના પ્રમુખ મધુકાંત વાઢેર દ્વારા કરવામાં આવ્યું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉમેશ ચાવડા દ્વારા કરવામાં આવ્યું. અંતમાં, આભાર વિધિ સંસ્થાના ઉપપ્રમુખ એમ.સી. પરમાર દ્વારા કરવામાં આવી.
આ કાર્યક્રમે વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના લોકોમાં શિક્ષણનું મહત્વ અને તેના દ્વારા ઉજ્જવળ ભવિષ્ય ઘડવાની પ્રેરણા જગાડી. અજાકસ ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા આવા પ્રેરણાદાયી કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.




