
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબિર અને વઘઇ તાલુકામાં વરસાદે રમઝટ બોલાવતા પાંચ જેટલા નીચાણવાળા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક થઈ જતા 10 જેટલા ગામો જિલ્લાનાં વહીવટી મથકેથી સંપર્કવિહોણા બન્યા હતા..
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે.તેવામાં ગુરુવારે રાત્રીનાં અરસાથી શુક્રવારે દિવસ દરમ્યાન ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે.શુક્રવારે ડાંગ જિલ્લાનાં સાપુતારા, શામગહાન,ગલકુંડ,બોરખલ,આહવા,ચીંચલી,પીપલદહાડ,ગારખડી, પીપલાઈદેવી,લવચાલી, સુબિર, સિંગાણા,બરડીપાડા,કાલીબેલ,મહાલ, પીંપરી,ભેંસકાતરી,ઝાવડા,વઘઇ, સાકરપાતળ સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોનાં ગામડાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં વરસાદી જોર વધતા લોકમાતાઓમાં અંબિકા,ખાપરી, પૂર્ણા,ગીરા અને ધોધડ નદીઓ ગાંડીતુર હાલતમાં બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી.સાથે જંગલ વિસ્તારમાં આવેલ કોતરડા, ઝરણાઓ,વહેળાઓ,અને નાના મોટા જળધોધ પણ ડહોળા નીરની સાથે ઉભરાઈ ઉઠ્યા હતા.ડાંગ જિલ્લાનાં વઘઇ અને સુબિર પંથકમાં ભારે વરસાદનાં પડતા અંબિકા અને પૂર્ણા નદી પર આવેલ પાંચેક નીચાણવાળા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક થઈ જતા 10 જેટલા ગામો સંપર્કવિહોણા બન્યા હતા.ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનાં પાંચ જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે. જેમાં સુબિર તાલુકાનાં કાકડવિહીરથી ખેંરિન્દ્રા-ચમારપાડા રોડ, સહિત વઘઇ તાલુકાનાં ઘોડવહળ રોડ,ખાતળ ફાટક થી ઘોડી રોડ,માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ,ગોદડિયા-પાંઢરમાળ રોડ,તથા માછળી-ખાતળ રોડ ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.જેને કારણે આ વિસ્તારનાં 10 જેટલા ગામો પ્રભાવિત થવા પામ્યા છે.જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.જ્યારે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં શુક્રવારે વહેલી સવારે પથ્થરો સહિત માટીનો મલબો સંરક્ષણ દીવાલ પર ધસી પડી અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી.વરસાદી માહોલમાં સાપુતારા ઘાટમાર્ગમાં અવારનવાર ભેખડો ધસી પડવાનાં બનાવો બને છે.તેવામાં શુક્રવારે વહેલી સવારે માલેગામ ઘાટમાર્ગમાં માટીનો મલબો સહિત પથ્થરો સંરક્ષણ દીવાલ પર ધસી પડી અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી.જોકે માટીનો મલબો અને કાટમાળ સંરક્ષણ દીવાલ સાથે અટકી રહેતા માર્ગ સલામત જોવા મળ્યો હતો.અને વાહન વ્યવહારને કોઈ પણ અસર પોહચી ન હતી.વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારા ખાતે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળો સહિત ઘાટમાર્ગમાં વિઝીબીલીટી લો જોવા મળી હતી.જેના પગલે દિવસભર પ્રવાસી વાહનચાલકોએ ગાડીની સિગ્નલ અને હેડ લાઈટ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ અને ઘુમ્મસીયા વાતાવરણમાં જોવાલાયક સ્થળોનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠતા ફરવા આવેલ પ્રવાસીઓ ગદગદિત થઈ ઉઠ્યા હતા.જ્યારે વરસાદી માહોલમાં વઘઇનાં ગીરાધોધ અને ગીર માળનાં ગીરાધોધનો અસલ મિજાજ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન વઘઇ પંથકમાં 47 મિમી અર્થાત 1.88 ઈંચ,સુબિર પંથકમાં 58 મિમી અર્થાત 2.32 ઈંચ,સાપુતારા પંથકમાં 58 મિમી અર્થાત 2.32 ઈંચ,જ્યારે આહવા પંથકમાં 59 મિમી અર્થાત 2.36 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..




