મહાશિવરાત્રી મેળામાં જૂનાગઢ વહીવટી તંત્રનું ‘માસ્ટર પ્લાનિંગ’ સફળ: ૨૫ પાર્કિંગ સ્થળો પર પાંચ દિવસમાં વાહન ચોરી કે નુકસાનીનો એક પણ બનાવ નહીં
કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને એસ.પી. શ્રી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ 'પાર્કિંગ સમિતિ'નું અભૂતપૂર્વ આયોજન

કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને એસ.પી. શ્રી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ‘પાર્કિંગ સમિતિ’નું અભૂતપૂર્વ આયોજન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગરવા ગિરનારની ગોદમાં સંપન્ન થયેલા મહાશિવરાત્રીના મેળામાં લાખો શ્રદ્ધાળુઓની જનમેદની વચ્ચે વાહન પાર્કિંગનું વ્યવસ્થાપન વહીવટી તંત્ર માટે એક મોટી સફળતા સાબિત થયું છે. જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને એસ.પી. શ્રી સુબોધ ઓડેદરાના સીધા માર્ગદર્શન હેઠળ રચાયેલી ખાસ પાર્કિંગ સમિતિએ આ પડકારજનક કાર્યને અત્યંત સુચારુ રીતે પાર પાડ્યું છે.
ચુસ્ત સુરક્ષા અને શૂન્ય ગુનાખોરી :
આ વર્ષે મેળા દરમિયાન ૨૫ જેટલા અધ્યતન પાર્કિંગ સ્થળો તૈયાર કરવામાં આવ્યા હતા. આયોજનની સફળતા એ વાત પરથી સાબિત થાય છે કે, મેળાના પાંચ દિવસ દરમિયાન એક પણ વાહન ચોરી કે વાહનને નુકસાનીનો બનાવ નોંધાયો નથી. પાર્કિંગ સમિતિના સભ્ય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.કે. હુંબલના જણાવ્યા અનુસાર, વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના સંયુક્ત સંકલનથી છેલ્લા દોઢ મહિનાથી આ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
ખાનગી પાર્કિંગનો નિઃશુલ્ક સહયોગ :
નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.એસ. બારડ અને ડીવાયએસપી શ્રી હિતેશ ધાંધલીયાના પ્રયાસોથી અનેક ખાનગી પાર્કિંગ સંચાલકોએ પણ મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે સ્વેચ્છાએ નિઃશુલ્ક પાર્કિંગની સુવિધા પુરી પાડી હતી. હોમગાર્ડ અને જીઆરડી જવાનોની સતત હાજરીને કારણે ક્ષમતા કરતા વધુ વાહનોનું પણ શિસ્તબદ્ધ રીતે સંચાલન કરવામાં આવ્યું હતું.
આધુનિક સુવિધાઓથી સજ્જ પાર્કિંગ :
માત્ર પાર્કિંગ જ નહીં, પણ શ્રદ્ધાળુઓની સુવિધા માટે દરેક સ્થળ પર પીવાનું પાણી, બેસવાની વ્યવસ્થા, ટોયલેટ અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. ભાવિકોને પાર્કિંગ શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા પ્રથમવાર ‘QR કોડ’ની સુવિધા આપવામાં આવી હતી, જેનો ૬૦૦૦થી વધુ લોકોએ ઉપયોગ કરી ડિજિટલ ઇન્ડિયાનો અનુભવ કર્યો હતો.
આમ, ગિરનારની તળેટીમાં ઉમટેલા લાખો ભાવિકોએ સુરક્ષિત અને સુવિધાસભર પાર્કિંગ વ્યવસ્થા બદલ જૂનાગઢ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી છે.







