JUNAGADH RURAL

માણાવદર તાલુકાના નાનડીયા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

અરજદારોની તમામ ૧૭૭૦ અરજીનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરાયો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજ્ય સરકારના પારદર્શક અને સંવેદનશીલ વહીવટી તંત્રને વધુને વધુ પ્રજાલક્ષી બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરવા માટે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આજ રોજ માણાવદર તાલુકાના નાનડીયા ગામની પ્રાથમિક શાળામાં કુલ ૧૬ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્ય સરકારની ૫૫ જેટલી વિવિધ સેવાઓ માટેની આનુષાંગિક સુવિધાઓ એક સ્થળ પરથી પુરું પાડવાનું આયોજન વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
લાભાર્થીઓને આધાર નોંધણી, આધાર કાર્ડમાં સુધારા, રેશનકાર્ડમાં નામ દાખલ કે સુધારો, કમી, ઈ-કેવાયસી, કુંવરબાઈનું મામેરું, ફ્રીશીપ કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, નમોશ્રી યોજના, પીએમ JAY યોજના, ઉંમરનો દાખલો, જન્મ અને મરણના પ્રમાણપત્રો, આધાર કાર્ડ સાથે બેંક ખાતાનું જોડાણ, જનધન યોજના અન્વયે બેંક ખાતુ ખોલવાની કામગીરી વગેરે જેવી રાજ્ય સરકારની અનેકવિધ સુવિધાઓનો લાભ એક જગ્યાએથી આપવામાં આવ્યો હતો. નાગરિકોને વિવિધ યોજનાઓની જાણકારી આપવાની સાથે જરૂરિયાતમંદ લાભાર્થી સુધી આ યોજનાઓ પહોંચે તે માટે વિવિધ કચેરીઓના સ્ટાફ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં કુલ ૧૭૭૦ અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીઓ ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા ઝડપી સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે તમામ અરજીઓનો ત્વરિત હકારાત્મક નિકાલ કરાયો હતો.
આ કાર્યક્રમમાં માણાવદર તાલુકાના નાનડીયા ગામે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સહિત ગામમા પદાધિકારી, તથા તાલુકાના તમામ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!