LODHIKARAJKOT CITY / TALUKO

Lodhika: રાવકી ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે “કિશાન ગોષ્ઠી” યોજાઇ : ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પ્રહરી બનવા આહવાન

તા.૭/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Lodhika: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ઝેરી રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધે તે માટે મહા અભિયાન ચાલી રહ્યું છે, તેમાં જાગૃતિ અર્થે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે “કિશાન ગોષ્ઠિ” કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના રાવકી ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેકટ અંતર્ગત રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે માર્ગદર્શક કૃષિ ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂતોને પુરક માર્ગદર્શન આપી આ અભિયાન ગામેગામ આગળ વધારવા પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ચેરમેન શ્રી હિતેન્દ્રભાઈ પટેલે આ તકે આયોજિત ગોષ્ઠિ કાર્યક્રમને માનવ કલ્યાણ અર્થે ઝેર મુક્ત પ્રાકૃતિક ખેતીનો મહાયજ્ઞ ગણાવી તેમાં જોડાવા આહવાન કરી જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. જયારે દેશને પુષ્કળ માત્રામાં ધાનની જરૂર હતી ત્યારે અપનાવેલી રાસાયણિક ખેતી થકી આપણે હરિત ક્રાંતિ કરી, પરંતુ હવે તેના દુષ્પરિણામ આપણે જોઈ રહ્યા છે. આજના બાળકો અને યુવાઓ અનેક રોગના શિકાર બની રહ્યા છે, ત્યારે આપણે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી થકી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું પડશે.

શ્રી હિતેન્દ્ર પટેલે ખેતીને નફાકારક બનાવવા અંગે ટિપ્સ આપતા જણાવ્યું હતું કે, ખેડૂતે બીજા પર નિર્ભર નહીં પરંતુ પ્રત્યક્ષ ખેતીમાં જોડાવું પડશે. પાકનું જાત નિરીક્ષણ કરવું પડશે. ખેડૂતોના સંતાનો પણ પરંપરાગત વ્યવસાયમાં જોડાઈ ખેતીને જીવંત રાખે તેના પર શ્રી હિતેન્દ્રભાઇએ ભાર મુક્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે સહાયરૂપ વિવિધ યોજનાકીય માહિતી પુરી પાડી આવનારા સમયમાં ખેડૂતોને કૃષિ પેદાશ વેચાણર્થે પ્લેટફોર્મ પૂરું પાડવા તૈયારી દર્શાવી હતી.

રાવકી પાસે આવેલ શ્રી કૃષ્ણકાંત જાડેજાના મોડેલ ફાર્મ ખાતે રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ મોડેલ ફાર્મની કાર્યપધ્ધતિ નિહાળી હતી. તેમજ સફળ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની સફળતા અંગે તેઓના અનુભવો વર્ણવ્યા હતાં. શ્રી ભરતભાઈ પરસાણાએ પ્રાકૃતિક ખેતી માટે સફળતાનું મુખ્ય સ્ત્રોત એવા જીવામૃત અંગે માર્ગદર્શન આપી ખેડૂતો નફાકારક ખેતી કરી શકે છે તેવી ખાત્રી આપી હતી. જયારે અન્ય સફળ ખેડૂતો શ્રી કેશુભાઈ કોયાણી, મહેશભાઈ ખોડાપીપરએ મૂલ્યવર્ધક ખેતી થકી મોટી આવક મેળવી શકાય છે તે અંગે માર્ગદર્શન પૃરુ પાડ્યું હતું.

કાર્યક્રમમાં અગ્રણીઓ સર્વે શ્રી વિજયભાઈ કોરાટ, રાજુભાઈ પટોળીયા, કિશાન સફળ ચેનલના શ્રી એ.કે. મુળિયા, સરપંચ શ્રી વિશાલભાઈ, જેન્તીભાઇ, નિલેશભાઈ, આત્મા પ્રોજેક્ટના શ્રી મહેશભાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો જોડાયા હતાં.

Back to top button
error: Content is protected !!