Lodhika: રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના દેવગામ, ખીરસરા અને મેટોડા ગામની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
તા.૨૬/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
કન્યા કેળવણીનું જ્વલંત ઉદાહરણ મેટોડાની ગાયત્રી વિદ્યા મંદિર: ધોરણ -૯માં પ્રવેશ મેળવત ૫૮ બાળકો પૈકી કુમારો કરતા કન્યાઓની સંખ્યા બમણી
Rajkot,Lodhika: સમગ્ર ગુજરાત રાજયમાં ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની…..’ થીમ સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ૨૧ મી શૃંખલાનો પ્રારંભ કરાયો છે. ત્યારે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના દેવગામ, ખીરસરા અને મેટોડા ખાતે સહાયક માહિતી નિયામક શ્રી સોનલબેન જોશીપુરાના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
સહાયક માહિતી નિયામક શ્રી સોનલબેન જોશીપુરા એ પ્રવેશપાત્ર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, શિક્ષણે માનવ જીવનને હંમેશા નવી રાહ ચિંધી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા વર્ષ ર૦૦૩માં શાળા પ્રવેશોત્સવ શરૂ કરાયો હતો અને કન્યામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવવામાં આવી હતી.
દીકરા-દીકરી એક સમાન છે. દીકરીઓ માત્ર એક નહીં, પરંતુ બે કુળને શિક્ષિત કરે છે. આથી, દીકરાઓની સાથે દીકરીઓને પણ શિક્ષણની તક આપીને તેઓને પણ તેમના સપનાં સાકાર કરવા પ્રોત્સાહિત કરવી જોઈએ. દીકરીઓને મળેલી અભ્યાસની તકનો મહત્તમ ઉપયોગ કરે તેની ખાસ કાળજી રાખવી વાલીઓની નૈતિક ફરજ છે. વર્તમાન સમયમાં સરકારી શાળાઓ ડિજિટલ યુગ સાથે કદમ મિલાવી રહી છે. ત્યારે વાલીઓએ બાળકોને સરકારી શાળામાં ભણાવવાનો આગ્રહ રાખી, શિક્ષણને લગતી સરકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ, તેમ સહાયક માહિતી નિયામકશ્રીએ કહ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ અંતર્ગત દેવગામ પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકા અને ધો. ૧માં ૬ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. ખીરસરા તાલુકા પ્રાથમિક શાળા અને નવી પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધો. ૧ માં કૂલ ૩૮ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો જ્યારે મેટોડા પ્રાથમિક શાળા ખાતે બાલ વાટિકામાં કુલ ૫૦ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. જે પૈકી ૩૦ કુમારો અને ૨૫ કન્યોઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. શ્રી ગાયત્રી વિદ્યા મંદિર માં ધોરણ -૯માં કૂલ કુલ ૫૮ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. જે પૈકી ૨૦ કુમારો અને ૩૮ કન્યોઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે. કન્યા કેળવણીનું જ્વલંત ઉદાહરણ છે.
તમામ શાળાઓમાં સહાયક માહિતી નિયામક શ્રી મહાનુભાવોએ શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમનો આરંભ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરાયો હતો. કાર્યક્રમમાં મહાનુભાવોનુ પુસ્તક આપીને અભિવાદન કરાયું હતું. ખીરસરા તાલુકા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને જાણીતા લોક કલાકાર શ્રી ધિરુભાઈ સરવૈયાએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતાં.
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે નાયબ મામલતદાર શ્રી નિખીલ ગોહિલ, શ્રી યોગીરાજસિંહ ગોહિલ, શ્રી સી.વી. કુકડીયા, સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી પારૂલબેન નકુમ, દેવગામના સરપંચશ્રી નિતિન ડોબરીયા, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રાજેષભાઈ માણેક, ખીરસરા ગામના સરપંચશ્રી રમાબેન મુકેશભાઈ મકવાણા, ખીરસરા તાલુકા શાળાના આચાર્યશ્રી ફાલ્ગુનીબેન પંડ્યા તથા મેટોડા પ્રાથમિક શાળા તથા શ્રી ગાયત્રી વિદ્યા મંદિરના આચાર્યશ્રીઓ તમામ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.