ટ્રાઈ દ્વારા 1.77 કરોડ સીમ કાર્ડને બ્લોક કરવામાં આવ્યા
ટેલિકોમ વિભાગે બનાવટી કોલ્સ અટકાવવા માટે આકરાં પગલાં ઉઠાવ્યા છે. હાલમાં જ ટ્રાઈ દ્વારા 1.77 કરોડ સીમ કાર્ડને બ્લોક કરવામાં આવ્યા છે. આ સીમ કાર્ડનો ઉપયોગ ફ્રોડ માટે થઈ રહ્યો હોવાની બાતમીના આધારે આ પગલું લેવાયું છે. દેશના 122 કરોડથી વધુ ટેલિફોન યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ટેલિકોમ વિભાગે અને ટ્રાઈએ બનાવટી અને સ્પામ કોલ્સ પર લગામ કસી છે.
ટેલિકોમ વિભાગે જણાવ્યા અનુસાર, રોજના લગભગ 1.35 કરોડ ફ્રોડ કોલ્સને ગ્રાહક સુધી પહોંચતાં પહેલાં જ અટકાવી દેવામાં આવ્યા છે. આ નકલી કોલ કરનારા 1.77 કરોડ સીમ કાર્ડને બ્લોક કરવામાં આવ્યા છે. ફરિયાદોના આધારે વિભાગ તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં 7 કરોડ ફ્રોડ કોલ્સ રદ કરવામાં આવ્યા છે.
ટેલિકોમ વિભાગે ચોરી થયેલા મોબાઈલ નંબર પણ બંધ કરવાની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે 14થી 15 લાખ ચોરી થયેલા મોબાઈલ નંબર બંધ કરવામાં આવ્યા છે. જેથી તેનો દુરૂપયોગ થાય નહીં. આ સિવાય નવા નિયમો પણ બનાવ્યા છે. જેમાં માર્કેટિંગ અને જાહેરાતો કરતી કંપનીઓના કોલ્સને વ્હાઈટલિસ્ટેડ કરવામાં આવ્યા છે. જેથી અવારનવાર અને ગમે-ત્યાંથી થતાં બનાવટી કોલ્સથી ગ્રાહકોને સુરક્ષા પ્રદાન કરી શકાય.