સરકારી નોકરીની ભરતી પરીક્ષામાં 100 માર્કસમાંથી 101.66 માર્ક્સ વાહ રે વિકાસ !!!
મધ્ય પ્રદેશમાં લેવાયેલી એક ભરતીમાં ગજબ ઘટના બની હતી. જેમાં એક ઉમેદવારને 100માંથી 101 ગુણ આવ્યા હતા. જેથી યુવાઓએ કાર્યવાહીની માંગ સાથે ઇન્દોરમાં આંદોલન કયું છે.

મધ્યપ્રદેશની એક સરકારી ભરતી પરીક્ષામાં નોર્મલાઇઝેશન પ્રક્રિયા અપનાવવાને કારણે એક ઉમેદવારને 100માંથી 101.66 માર્ક્સ મળ્યા છે. જેથી તેના પર સવાલો ઉઠાવતા બેરોજગાર યુવાનોએ ઈન્દોરમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ ભરતી પરીક્ષામાં છેતરપિંડીનો આરોપ લગાવતા યુવાનોએ નિષ્પક્ષ તપાસની માંગણી પણ કરી હતી. જેમાં યુવાઓ જિલ્લા કલેક્ટર કચેરી સામે એકઠા થયા હતા અને એક અધિકારીને મુખ્યમંત્રી મોહન યાદવને સંબોધિને એક મેમોરેન્ડમ પણ સોંપ્યું હતું.
આ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું હતું કે વન અને જેલ વિભાગોની સંયુક્ત ભરતી પરીક્ષા 2023માં, એક ઉમેદવારે 100માંથી 101.66 માર્ક્સ મેળવ્યા અને તેને મેરીટ લીસ્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ભોપાલ સ્થિત મધ્યપ્રદેશ સ્ટાફ સિલેકશન બોર્ડ દ્વારા લેવામાં આવેલી આ પરીક્ષાનું રિઝલ્ટ 13 ડિસેમ્બરના રોજ આવ્યું હતું.
આ પરીક્ષાના પરિણામની જાહેરાત બાદ સ્ટાફ સિલેકશન બોર્ડે સ્પષ્ટતા કરી હતી કે આ ભરતી પરીક્ષામાં નિયમો અનુસાર નોર્મલાઇઝેશન પ્રક્રિયા અપનાવવામાં આવી હતી જેના લીધે ઉમેદવારો પૂર્ણાંક (100) કરતા વધુ ગુણ મેળવી શક્યા હતા. તેમાં 0 કરતા પણ ઓછા ગુણ મળી શકે છે.
આ યુવા પ્રદર્શનકારીઓનું નેતૃત્વ કરી રહેલા ગોપાલ પ્રજાપતે જણાવ્યું હતું કે, પરીક્ષામાં 100 માર્કસમાંથી 101.66 માર્ક્સ મેળવવા આશ્ચર્યજનક છે. આવુ મધ્યપ્રદેશના પરીક્ષા ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. તેમના મેમોરેન્ડમમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે પ્રથમ બે ટોપર્સ એક જ જિલ્લામાંથી આવ્યા છે, તે પણ શંકા ઉપજાવે છે.



