ડેક્સ્ટ્રોમેથોર્ફન કફ સિરપ પીવાના કારણે રાજસ્થાન-મધ્ય પ્રદેશમાં 11 બાળકોના મોત!
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મોતનો આંકડો સતત વધી રહ્યો છે. બંને રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં કુલ 11 બાળકોના મોત થયા છે. આ મોત પાછળનું કારણ એક કફ સિરપ હોવાનું જાણવા મળ્યું છે. મધ્યપ્રદેશના છિંદવાડામાં 9 અને રાજસ્થાનમાં બે બાળકોના મોત બાદ સરકારની નોડલ એજન્સીએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આરોગ્ય અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે, બંને રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલા બાળકોના મોત પાછળનું કારણ કફ સિરપના કારણે બાળકોની કિડની ફેઇલ થવાનું છે. આ બાળકોને સામાન્ય વાઇરલ તાવમાં એક સરખી જ કફ સિરપ આપવામાં આવી હતી. એક ઑક્ટોબરના રોજ છિંદવાડામાં છ બાળકોના મોત થયા હતા. બાદમાં આજે વધુ ત્રણ બાળકોના મોત થયા હતા.
આ દુર્ઘટના બાદ ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ સિરપનું તાત્કાલિક ધોરણે ટેસ્ટિંગ હાથ ધરાયું છે. હાલ આ બંને રાજ્યોમાં 1420 બાળકો તાવ, શરદી-ખાંસી જેવા વાઇરલ ફ્લુનો ભોગ બનેલા છે. બે દિવસથી વધુ સમય સુધી બીમાર બાળકને સિવિલ હૉસ્પિટલમાં છ કલાક સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જો બાળકની સ્થિતિ કથળે તો તેને જિલ્લા હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે છે. ઘરે પણ આશા કાર્યકરો દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.
રાજસ્થાનના ભરતપુર અને સિકરમાં બે બાળકોના મોત બાદ રાજસ્થાન સરકારે કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો છે. બંને જિલ્લામાં બીમાર બાળકોમાં કફ સિરપના કારણે વોમિટિંગ, બેચેની, બેભાન જેવા લક્ષણો જોવા મળ્યા હતા. સ્ટેટ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીએ આ સિરપની ગુણવત્તા ચકાસવા માટે નમૂના એકત્ર કર્યા છે.
છેલ્લા બે વર્ષમાં ગુણવત્તાની ચકાણીમાં આ સિરપ 40 વખત જુદા-જુદા ટેસ્ટિંગમાં ફેઈલ રહી હતી. 2020માં ભિલવાડામાં, સિકરમાં ચાર વખત, ભરતપુરમાં બે વખત, અજમેરમાં સાત વખત, ઉદયપુરમાં 17, જયપુર અને વાંસવાડામાં બે-બે વખત ફેઇલ રહી હતી. કંપનીની આ પ્રોડક્ટ બ્લેકલિસ્ટમાં સામેલ હોવા છતાં કંપનીને ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા મંજૂરી મળી હતી. ઉલ્લેખનીય છે, સરકાર પાસે પોતાની ટેસ્ટિંગ લેબ ન હોવાથી આરએમએસસીએલ ખાનગી લેબ્સ પર નિર્ભર છે. જેમાં એક ખાનગી લેબે સિરપને પાસ કરી હતી, તો એક એ ફેઇલ. તેમ છતાં તેને સપ્લાય કરવા કોન્ટ્રાક્ટ મળ્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં તેના 100થી વધુ સેમ્પલ ફેઇલ થયા હતા. 2024માં 101 સેમ્પલ ફેઇલ થયા હતા, જ્યારે 2025માં જ 81 સેમ્પલ ફેઇલ સાબિત થયા. જાન્યુઆરી 2019થી અત્યારસુધીમાં 915થી વધુ ડ્રગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સિરપ સરકારના મફત દવા વિત્તરણ યોજનામાં સામેલ છે. જે સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો સંકેત આપે છે.