દેશમાં 2027થી વસ્તી ગણતરી, 11,718 કરોડનું કેન્દ્રીય બજેટ મંજૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે (12 ડિસેમ્બર, 2025) ત્રણ મોટા નિર્ણયો લીધા. જે અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘2027ની વસતી ગણતરી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના માટે રૂ.11,718 કરોડનું બજેટ મંજૂર કરાયું. બીજો નિર્ણય કોલસા અથવા ઊર્જા ક્ષેત્રમાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે. ત્રીજો ખેડૂતોને લગતો નિર્ણય લેવામાં આવ્યો છે.’
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ‘2027ની વસતી ગણતરી પ્રથમ ડિજિટલ વસતી ગણતરી હશે. વસતી ગણતરીની ડિજિટલ ડિઝાઇન ડેટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તે બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો 1 એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ. બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં વસતી ગણતરી હશે. પ્રથમ વખત ડિજિટલ વસતી ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં મોબાઇલ ઍપ્લિકેશન દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવશે. આ ઍપ્લિકેશન હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ હશે. વસતી ગણતરીની કામગીરી માટે 30 લાખ કર્મીઓને કામગીરી સોંપવામાં આવશે.’
કેન્દ્રીય મંત્રીમંડળે ઊર્જા ક્ષેત્રમાં પણ એક મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, ‘કોલ સેતુ એટલે કે ભારત કોલસાના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે, જેનાથી આયાત પરની નિર્ભરતા દૂર થશે. આનાથી 60 હજાર કરોડ રૂપિયાની બચત થઈ રહી છે. 2024-25માં 1 અબજ ટન કોલસાનું ઉત્પાદન થશે.’
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘કેન્દ્રીય મંત્રીમંડળે 2026 માટે મિલ્ડ કોપરા(સૂકા નારિયેળ) માટે 12,027 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને ગોળ કોપરા માટે 12,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ લઘુતમ ટેકાના ભાવ (MSP) ને મંજૂરી આપી છે. NAFED અને NCCF આ માટે નોડલ એજન્સીઓ હશે.’ આ અગાઉ મે મહિનામાં કેન્દ્ર સરકારે ડાંગર, કપાસ, સોયાબીન સહિત 14 પાકોના MSPમાં વધારો કર્યો હતો.
કેન્દ્ર સરકારે વર્ષ 2027ની રાષ્ટ્રીય વસ્તી ગણતરી (National Census) ડિજિટલ માધ્યમથી કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે લોકસભામાં આ અંગે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, ભારતના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે વસ્તી ગણતરી પરંપરાગત કાગળ આધારિત ફોર્મ્સને બદલે મોબાઇલ ઍપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
સાંસદ સનાતન પાંડેના લેખિત પ્રશ્નનો જવાબ આપતા મંત્રી રાયે જણાવ્યું કે, વસ્તી ગણતરી માટે એક વિશેષ ડિજિટલ પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા સમગ્ર દેશમાં પ્રક્રિયાઓનું મોનિટરિંગ અને વ્યવસ્થાપન કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે નાગરિકો પોતે તેમની માહિતી ઓનલાઇન ભરી શકશે, જ્યારે ફિલ્ડ અધિકારીઓ મોબાઇલ ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને ડેટા એકત્રિત કરશે.
વસ્તી ગણતરીની નિર્ધારિત પદ્ધતિ મુજબ, દરેક વ્યક્તિની માહિતી તે સ્થળે નોંધવામાં આવશે જ્યાં તે ગણતરીના સમયગાળા દરમિયાન હાજર હશે. આ સિસ્ટમ 2027માં પણ જાળવી રખાશે. આ ઉપરાંત, વ્યક્તિનું જન્મસ્થળ, છેલ્લું નિવાસસ્થાન, વર્તમાન સ્થળે રહેવાનો સમયગાળો અને સ્થળાંતરનું કારણ જેવી પ્રવાસન સંબંધિત માહિતી પણ ડિજિટલ રીતે નોંધવામાં આવશે.



