NATIONAL

યમુના એક્સપ્રેસવે પર ધુમ્મસના કારણે અનેક વાહનો એકસાથે અથડાયા, 13ના મોત, 25 ઈજાગ્રસ્ત

યમુના એક્સપ્રેસવે પર મંગળવારે (16 ડિસેમ્બર) વહેલી સવારે આગ્રાથી નોઇડા જતી લેન પર ધુમ્મસના કારણે અનેક વાહનો એકબીજા સાથે અથડાયા હતા. સાત બસ અને બે કારમાં ભીષણ આગ પણ લાગી ગઈ હતી. અનેક લોકો વાહનની અંદર ફસાઇ ગયા હતા અને અમુક લોકોએ કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધી 13 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વળી, બે ડઝનથી વધુ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ દાખલ કરાયા છે.

આ ઘટના બલદેવ પોલીસ સ્ટેશન વિસ્તારના ખડેહરા ગામ પાસે બની હતી. અહીં ધુમ્મસના કારણે રાત્રે દ્રશ્યતા શૂન્ય થઈ ગઈ હતી. જેના કારણે આગળ-પાછળ ચાલી રહેલા વાહનો એકબીજાને જોઈ શક્યા નહીં અને વાહનો એકબીજા સાથે અથડાઇ ગયા. ટક્કર એટલી તેજ હતી કે, વાહનોમાં આગ લાગી ગઈ. 7 બસ અને બે કાર ભીષણ આગની લપેટમાં આવી ગઈ અને જોતજોતામાં આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ.

અનેક યાત્રીઓએ જીવ બચાવવા બસની બારીમાંથી કૂદકો મારી દીધો હતો. જોકે, અનેક લોકો અંદર જ ફસાઇ ગયા હતા. આ અકસ્માતમાં લાગેલી આગને કાબૂમાં કરવા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું અને સમગ્ર ઘટના પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માત બાદથી નોઇડા જતો એક્સપ્રેસ વે લેન પર અવર-જવર ઠપ થઈ ગઈ હતી. ત્યારબાદ ક્રેન દ્વારા અન્ય વાહનોને દૂર કરી વાહનવ્યહાર ફરી શરૂ કરાયો હતો.

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 13 લોકોના મોત નિપજ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને 20થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. અકસ્માતમાં ત્રણ મૃતકોની ઓળખ થઈ ચુકી છે.

દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસની અસર રોડ-રેલવે અને હવાઈ મુસાફરી પર પડી હતી. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેમાં એક જ દિવસમાં ૩૦ અકસ્માતો નોંધાયા હતા. વાહનોની આ ટક્કરમાં ચાર લોકોનાં મોત થયા હતા. ઘણાં વાહનોની ટક્કરથી વાહન ચાલકો અને મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હતા. દિલ્હી-મુંબઈ હાઈવેમાં ફરીદાબાદ નજીક બે ગમખ્વાર અકસ્માતો થયા હતા. એમાં સીઆઈએસએફના ઈન્સ્પેક્ટરનું પણ મોત થયું હતું. નૂંહ પાસે ગાઢ ધુમ્મસના કારણે વહેલી સવારે ચારથી પાંચ વાગ્યાની આસપાસ લગભગ ૩૦ વાહનો અંદરો અંદર ટકરાયા હતા, પરિણામે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.

Back to top button
error: Content is protected !!