NATIONAL

ભારતે 5 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરનો પુરવઠો વધાર્યો

ગલ્ફ દેશોમાં બગડતી પરિસ્થિતિને કારણે ગેસ પુરવઠામાં વિક્ષેપ વચ્ચે ભારતે 5 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરનો પુરવઠો વધાર્યો છે. સરકારે આ સાથે પાઇપ દ્વારા સપ્લાય કરાતી રસોઇ ગેસ (PNG) કનેક્શનના વિસ્તરણને પણ વેગ આપ્યો છે. એક સત્તાવાર નિવેદન અનુસાર 23 માર્ચથી અત્યાર સુધી 13 લાખથી વધુ એલપીજી સિલિન્ડર વેચાયા છે, જેનું દૈનિક વેચાણ 1 લાખથી વધુ છે. સરકારે સ્થળાંતરિત કામદારો અને ઓછી આવક ધરાવતા ગ્રાહકો સુધી પહોંચ વધારવા માટે 5 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરનો પુરવઠો વધાર્યો છે.

આ સમયગાળા દરમિયાન 4.24 લાખથી વધુ નવા PNG કનેક્શન પણ પૂરા પાડવામાં આવ્યા હતા, જ્યારે 30 હજારથી વધુ ગ્રાહકોએ તેમના એલપીજી કનેક્શન સરેંડર કરી પીએનજી અપનાવ્યુ છે. પશ્ચિમ એશિયામાં છ અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠા પર ભારે અસર પડી છે. ભારત તેના જરૂરીયાતથી લગભગ અડધુ ક્રૂડ ઓઇલ, 40 ટકા ગેસ અને 85-90 ટકા એલપીજી પશ્ચિમ એશિયામાંથી આયાત કરે છે, જે આ કટોકટીથી પ્રભાવિત છે. જોકે ક્રૂડ ઓઇલની અછત અન્ય સ્ત્રોતોમાંથી પૂરી કરવામાં આવી છે, એલપીજી પુરવઠા પર અસર પડી છે.

સરકારે ઘરેલુ ગ્રાહકો માટે એલપીજી પુરવઠાને પ્રાથમિકતા આપી છે અને હોટલ અને રેસ્ટોરન્ટ જેવા વાણિજ્યિક ગ્રાહકોને પુરવઠો ઘટાડી દીધો છે. જ્યારે કટોકટી પહેલા ફેબ્રુઆરીમાં દરરોજ આશરે 77,000 સિલિન્ડર વેચાતા હતા, ત્યારે છેલ્લા 2-3 અઠવાડિયામાં આ સંખ્યા વધીને 1 લાખથી વધુ થઈ ગઈ છે. નિવેદન અનુસાર ઘરેલુ એલપીજી પુરવઠો એકંદરે સ્થિર છે, કોઈ અછત નોંધાઈ નથી.

Back to top button
error: Content is protected !!