મુંબઈનો 21 ટકા અને ચેન્નઈનો 18 ટકા વિસ્તાર દરિયામાં ડૂબશે !!!
નેચર અર્બન સસ્ટેનિબિલીટી જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં સંશોધકોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં માનવજાત નાકામ રહેશે તો તેના ખૂબ ગંભીર પરિણામો ભોગવવાના આવશે. જળસ્તર સદીના અંત સુધીમાં દોઢ ફૂટથી પણ વધારે ઉપર આવશે અને તેના કારણે સમુદ્ર કાંઠાંના 30 લાખ લોકો તેનાથી પ્રભાવિત થશે. સેંકડો ઈમારતો ડૂબાણમાં જશે. વિશાળ સમુદ્રકાંઠો ધરાવતા ભારત જેવા દેશો એનાથી વિશેષ પ્રભાવિત થશે.
કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના સંશોધકોએ તૈયાર કરેલા અહેવાલમાં કહેવાયું હતું કે ક્લાઈમેટ ચેન્જની આડઅસરો શરૂ થઈ ચૂકી છે. સમુદ્રનું જળસ્તર ધીમે ધીમે વધવાનું શરૂ થયું છે. કોલસો, ખનીજતેલ વગેરેનો ઉપયોગ અટક્યો નથી, તેના પરિણામે કાર્બન ઉત્સર્જન ઘટતું નથી. કાર્બન ઉત્સર્જન ઘટશે નહીં ત્યાં સુધી ક્લાઈમેટ ચેન્જની આડઅસરો કાબૂમાં આવી શકશે નહીં. જો આ જ સ્થિતિ સદીના અંત સુધી રહેશે તો ભયાનક પરિણામો જોવાના આવશે.
સેટેલાઈટના નકશા અને આંકડાંના આધારે તારણ અપાયું એ પ્રમાણે અરબી સમુદ્રમાં જ અડધો મીટર એટલે લગભગ 1.7 ફૂટ જેટલું જળસ્તર સદીના અંતે વધી જશે. તેના કારણે મુંબઈનો 21.8 ટકા વિસ્તાર ડૂબી જશે. ચેન્નઈને પણ એની ગંભીર અસર થશે અને 18 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જશે. લાખો લોકો અસરગ્રસ્ત બનશે ને અર્થતંત્ર પર પણ તેની ગંભીર અસર થશે. ભારતમાં કોચી, મેંગ્લુરુ, વિશાખાપટ્ટનમ, પુરી, પારાદીપ, પણજી જેવા ડઝનેક શહેરોની અનેક ઈમારતો પર ડૂબવાનું જોખમ મંડરાય છે. યુનિવર્સિટીના સંશોધકોએ તારણ આપ્યું કે દુનિયાભરમાં સમુદ્રોની સપાટી દોઢેક ફૂટ જેટલી વધશે. ક્યાંક બે ફૂટ વધશે. તેનાથી દુનિયાની 10 કરોડ ઈમારતો ડૂબી જશે. એમાંથી અરબી સમુદ્રના કાંઠે જ 30 લાખ ઈમારતો પર ડૂબવાનું જોખમ મંડરાતું હશે. 30 થી 40 લાખ લોકો એ સમયે પ્રભાવિત થશે.
ચિંતા તો એવીય વ્યક્ત થઈ હતી કે જો અત્યારે તાકીદની અસરે કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં નહીં આવે તો સમુદ્રમાં 16 ફૂટ સુધીનું જળસ્તર વધી શકે અને તેના કારણે કરોડો લોકો પ્રભાવિત થશે. અગણિત ઈમારતો ડૂબી શકે છે. અત્યારે એમ કહેવાય છે કે સદીના અંત સુધીમાં પૃથ્વીના સરેરાશ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થશે. તેનાથી સેંકડો વર્ષોથી અડીખમ રહેલી હિમશીલાઓ પીગળી જશે અને તેનું પાણી સમુદ્રના જળસ્તરને વધારશે. જે વિસ્તારો પર સૌથી વધુ ખતરો છે ત્યાં અત્યારથી જ આયોજન કરીને સંભવિત ખતરો ઘટાડવો જોઈએ એવી ભલામણ સંશોધકોએ કરી હતી.