હરિયાણામાં વોટ ચોરી કરીને સરકાર રચી, 25 લાખ ફેક વોટર્સ : રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ‘વોટ ચોરી’ એટલે કે મતદાર યાદીમાંથી ગરબડ મુદ્દે સરકાર અને ચૂંટણી પંચ સામે હુમલા વધુ તેજ કરી દીધા છે. અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર આરોપો લગાવ્યા બાદ, તેમણે બુધવારે ફરી એકવાર આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ વખતે તેમણે હરિયાણા રાજ્યમાં વોટ ચોરી કરાયાના દાવા કર્યા હતા. આ સાથે તેમણે મતદાર યાદીમાં ગરબડના અનેક પુરાવા પણ રજૂ કર્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે મમતા, દુર્ગા, સંગીતા, મંજુ જેવા સામાન્ય નામનો ઉપયોગ કરીને તેમના માટે ફેક અને બ્લર કરેલા ફોટા વાપરીને મતદારો વધારવામાં આવ્યા અને આ રીતે વોટ ચોરી કરવામાં આવી. આવી ગેરરીતિ અનેક પોલિંગ બૂથ પર કરવામાં આવી હતી. આ કોઈ બૂથ લેવલની વાત નથી પણ આ ચોરી ઉપરના લેવલથી થઈ રહી છે. આ જ સિસ્ટમ છે. એક જ બુથ પર અમને 223 ફોટો ધરાવતા ડુપ્લિકેટ મતદાર મળી આવ્યા જે એક મહિલાનો ફોટો હતો. આ મહિલાનો ફોટો દરેક જગ્યાએ એક સરખો જ હતો.
રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીનો એક વીડિયો ચલાવવામાં આવ્યો હતો, જે પરિણામો જાહેર થયાના બે દિવસ પહેલાનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં, સૈની કહેતા જોવા મળે છે, “અમારી પાસે બધી જ વ્યવસ્થા છે, તેથી ચિંતા કરશો નહીં. ભાજપ એકતરફી સરકાર બનાવી રહી છે.” રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ 22,789 મતોના માર્જિનથી ચૂંટણી હારી ગઈ. આ દર્શાવે છે કે ચૂંટણી કેટલી નજીકની હતી. હરિયાણાના રાય વિધાનસભા મતવિસ્તારમાં 10 બૂથ પર એક મહિલાએ અલગ અલગ નામથી 22 મત આપ્યા. આ મહિલા બ્રાઝિલિયન મોડેલ છે, જેનું નામ મેથ્યુસ ફેરેરો હોવાનો દાવો કરાયો છે. જોકે આ તસવીર મેથ્યૂઝ ફરેરો દ્વારા લેવામાં આવી છે. પણ મોડેલનું નામ મેથ્યૂઝ ફરેરો નથી.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે હરિયાણામાં જે થયું તે બિહારમાં પણ થશે. બિહારમાં મતદાર યાદીઓમાં ગોટાળા કરવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો કે મતદાર યાદી અમને છેલ્લી ઘડીએ આપવામાં આવી હતી. પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધીએ બિહારના ઘણા મતદારોને પણ સ્ટેજ પર આમંત્રિત કર્યા અને દાવો કર્યો કે તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મતદાર યાદીમાંથી આખા પરિવારોના નામ દૂર કરવામાં આવ્યા છે. બિહારમાં લાખો લોકોના નામ પણ દૂર કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં ફક્ત સામાન્ય જનતા અને યુવાનો જ સત્ય અને અહિંસા દ્વારા લોકશાહી બચાવી શકે છે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે એક જ મહિલાનું નામ એક જ બૂથ પર 223 વખત દેખાય છે, ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ કે તે મહિલાએ કેટલી વાર મતદાન કર્યું. એજ કારણ છે કે સીસીટીવી ફૂટેજ ડિલીટ કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં તે બૂથ પર શું થયું તે ખુલી ગયું હોત. એક છોકરીએ 10 જગ્યાએ મતદાન કર્યું હતું. હરિયાણામાં નકલી ફોટાવાળા 124,177 મતદારો હતા. મતદાર યાદીમાં નવ જગ્યાએ એક મહિલાએ મતદાન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે આ પાછળનો હેતુ સ્પષ્ટ હતો: ભાજપને મદદ કરવાનો. આ વોટ ચોરીની તપાસ લોકોએ કરવી જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે વોટ ચોરી સેન્ટ્રલાઇઝ રીતે થઈ રહી છે. તે કોઈ એક જિલ્લા, રાજ્યનો મામલો નથી. હરિયાણામાં એક્ઝિટ પોલમાં અમે જીતી રહ્યા હતા અને અમારા ડેટા અને ભાજપના લોકો પણ કહી રહ્યા હતા કોંગ્રેસ જ જીતશે પણ એવું ના થયું. તેમણે કહ્યું કે હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલ અપનાવામાં આવ્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે દાલચંદ ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં મતદાર છે. તેમનો પુત્ર પણ હરિયાણામાં મતદાર છે અને ઉત્તર પ્રદેશમાં ભાજપને મત આપે છે. ભાજપ સાથે જોડાયેલા હજારો લોકો છે. મથુરાના સરપંચ પ્રહલાદનું નામ પણ હરિયાણામાં ઘણી જગ્યાએ મતદાર યાદીમાં છે. રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર પર પણ પ્રહાર કરતાં કહ્યું કે તેમણે દાવો કર્યો હતો કે જે લોકો પાસે ઘર નથી તેમના ઘરના નંબર શૂન્ય તરીકે નોંધાયેલા છે. રાહુલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો પણ ચલાવવામાં આવ્યો હતો, જેમાં બેઘર લોકોની મતદાર યાદીમાં સૂચિબદ્ધ સરનામા અંગે માહિતી આપવામાં આવી રહી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ક્રોસ-ચેક કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર દેશના લોકોને ખુલ્લેઆમ ખોટું બોલ્યા.




