ગોવા નાઈટ ક્લબમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં 25 લોકોનાં કરૂણ મોત

ગોવાના બાઘા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટ ક્લબમાં શનિવાર અને રવિવારની વચલી રાત્રે લાગેલી ભીષણ આગની ઘટનામાં 25 લોકોનાં કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવ્યો છે.
આગની ભયાનક ઘટનાના સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ડાન્સ ફ્લોર પર ગીતો વાગી રહ્યા હતા અને લોકો ડાન્સ કરી રહ્યા હતા. આ જ સમયે ક્લબની છત પર અચાનક આગ ભડકી હતી. ગણતરીની સેકન્ડોમાં ધુમાડો ફેલાતા આખા ફ્લોર પર ચીસાચીસ શરૂ થઈ ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે દોડાદોડ કરવા લાગ્યા હતા.
ગોવા પોલીસે કહ્યું કે, મૃત્યુ પામેલાઓમાં 14 ક્લબ સ્ટાફ મેમ્બર્સ અને ચાર પર્યટકોનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય સાત મૃતદેહોની ઓળખ હજી બાકી છે. આ ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગી હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જોકે ઘટનાને નજરે જોનારાઓનો દાવો છે કે, આગ ક્લબના પહેલા માળે ડાન્સ ફ્લોરથી શરૂ થઈ હતી. ગોવા પોલીસે નાઈટ ક્લબના માલિકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ સાથે ક્લબના મેનેજરની ધરપકડ કરી લેવામાં આવી છે.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર મામલાની મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, મૃતકોમાં મોટાભાગના કિચન સ્ટાફના સભ્યો હતા, જેમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. સીએમએ સ્પષ્ટ કહ્યું કે, પ્રારંભિક તપાસ મુજબ ક્લબ દ્વારા ફાયર સેફ્ટી નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું. બેદકારી છતાં ક્લબ ચાલુ રાખવાની મંજૂરી આપનારા ક્લબ મેનેજમેન્ટ સહિત જે-તે અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરાશે.





