250 લોકોએ મળીને એક જ પરિવારના 5 લોકોને જીવતા સળગાવી દીધા !!!
ડાકણ હોવાનું માનીને પરિવારની કરાઈ હત્યા

બિહારના પૂર્ણિયાથી મોટા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં પૂર્ણિયાના મુફસ્સિલ પોલીસ સ્ટેશનના રજીગંજ પંચાયતના ટેટગમામાં ડાકણ માનીને એક જ પરિવારના પાંચ લોકોની હત્યા કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે લગભગ 250 લોકોએ એક જ પરિવારના પાંચ સભ્યોને ઘેરીને મારપીટ કરી જીવતા સળગાવી દીધા હતા. ત્યાર બાદ મૃતદેહોને ગાયબ કરી દેવામાં આવ્યા હતા. પોલીસ પરિવારના સભ્યોની શોધમાં લાગેલી છે. આ ઘટનાની માહિતી મળતાં જ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. એસપી, એએસપી સહિત અનેક પોલીસ સ્ટેશનેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે માર્યા ગયેલા લોકોમાં બાબુલાલ ઉરાંવ, તેમની પત્ની સીતા દેવી, માતા કાટો માસોમત, પુત્ર મનજીત ઉરાંવ અને પુત્રવધુ રાની દેવીનો સમાવેશ થાય છે.
આ પરિવારની હત્યા ડાકણ હોવાના આરોપમાં કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે, ગામના 250થી વધુ લોકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમની હત્યા કરવામાં આવી હતી. FSL અને ડોગ સ્ક્વોડની ટીમો પણ તપાસમાં લાગી છે. પોલીસે તાંત્રિક નકુલ ઉરાંવ સહિત બે લોકોની અટકાયત કરી છે. આ ઘટના મુફસ્સિલ પોલીસ સ્ટેશનના રાજીગંજ પંચાયતના ટેટગમા ગામની છે.





