તા.૩૦.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા શહેર ખાતે આવતીકાલ તા.૩૧ મેના રોજ સિવિલ ડિફેન્સની ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ યોજાશે
અગમચેતીના ભાગરૂપે સાંજે ૦૬ કલાકે મોકડ્રીલનું આયોજન તેમજ રાત્રે ૮ થી ૮:૧૫ સુધી બ્લેક આઉટ કરાશે ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત તા. ૭ મે, ૨૦૨૫ના રોજ દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે.ભારત સરકારના આદેશ મુજબ ગુજરાતમાં પણ આવતીકાલ તા.૩૧ મેના રોજ સાંજે ૦૬ કલાકે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા શહેર ખાતે પણ આ મોકડ્રિલ યોજવાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું છે.ઉપરાંત રાત્રે ૮ વાગ્યા થી ૮.૧૫ કલાક દરમિયાન બ્લેકઆઉટ શરૂ થવાના સમયે લાંબુ સાયરન અને પૂર્ણ થવા સમયે ટૂંકું સાયરન વગાડવામાં આવશે.આ મોકડ્રીલ દરમ્યાન નાગરિક સંરક્ષણ દળમાં નવા નોંધાયેલા સ્વયંસેવકો, એનસીસી કેડેટ, હોમગાર્ડ સહિતના કર્મચારીઓ જોડાશે. તેમજ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લામાં આ મોકડ્રીલનું આયોજન થશે.જેમાં નાગરિકોને સહયોગ આપવા તેમજ ૮ વાગ્યે સાયરન વાગે ત્યારે તમામ લાઈટો એકીસાથે બંધ થઇ જાય તેમજ ૮:૧૫ વાગ્યે ફરીથી સાયરન વાગે ત્યારે જ લાઈટો ચાલુ કરવામાં આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે