વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.
કચ્છની પ્રાથમિક શાળાઓમાં કચ્છી શિક્ષકોની નિમણુંક થશે કેવી રીતે? એ એક મોટો સવાલ છે
મુન્દ્રા,રતાડીયા,તા.26: પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટેની લાયકાત આપતી જિલ્લા તાલીમ અને શિક્ષણ ભવન એટલે કે પી.ટી.સી. કોલેજ ભુજમાં છેલ્લા 17 વર્ષથી અધ્યાપકોની ભરતી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જતા ના છૂટકે ચાર વર્ષ પહેલા કોલેજ બંધ કરવાની ફરજ પડી હતી એવી માહિતી આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
કચ્છમાં અત્યારે એકમાત્ર મુન્દ્રાની સરકારી મહિલા પી.ટી.સી. કોલેજમાં 119 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે જેને 55 કિલોમીટર દૂર જિલ્લાકક્ષાના કેન્દ્ર ભુજમાં પરીક્ષા આપવાની ફરજ પડે છે. પરીક્ષાનો સમય સાચવવા વિદ્યાર્થીનીઓને વહેલા આવવું પડે છે અને પરીક્ષા કેન્દ્રના મેદાનમાં ઝાડના છાયડામાં ભૂખ્યા-તરસ્યા બેસીને વાંચવાની ફરજ પડે છે જે તસ્વીરમાં જોઈ શકાય છે. આના કારણે વિદ્યાર્થીનીઓનો સમય, નાણાં અને શક્તિનો વ્યય થાય છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે 50 જેટલા રૂમો ધરાવતી ભુજની સરકારી ઓલફ્રેડ હાઈસ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર વર્ષોથી ચાલે છે. જ્યારે પી.ટી.સી.ના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હતી ત્યારે પ્રથમ વર્ષ અને બીજા વર્ષના વિદ્યાર્થીઓની બે પાળીમાં પરીક્ષા લેવાતી જે સીલસીલો અત્યારે પણ ચાલુ જ છે.
અત્યારે પ્રથમ અને બીજા વર્ષના માત્ર ત્રણ-ત્રણ બ્લોક જ હોવા છતાં સવારે 10 થી 1 અને બપોરે 2 થી 5 એમ બે પાળીમાં પરીક્ષા લેવામાં આવે છે એટલે કે મુન્દ્રાથી ભુજ અપડાઉન કરતા વિદ્યાર્થીનીઓને ફરજિયાત એક વખત બપોરે ભઠ્ઠી જેવી તપતી સરકારી એસ.ટી. બસમાં મુસાફરી કરવાની ફરજ પડે છે. એના બદલે જો બંને વર્ષની પરીક્ષા એક સાથે સવારે 9 થી 12માં લેવામાં આવે તો પરીક્ષાર્થી અને પરિક્ષક બંનેને સગવડ થાય એવી માહિતી અંદરના લોકોએ જ આપી છે. કેમ કે રાજ્યનું આરોગ્યતંત્ર જ જો લોકોને બપોરે 12 થી 4 સુધી બીનજરૂરી તડકામાં બહાર ન નીકળવાની સલાહ આપતું હોય ત્યારે આખો વર્ષ ઠંડકમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનીઓને પરીક્ષા આપતી વખતે જ સાનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ થતું નથી જેના લીધે તેઓ માનસિક અને શારીરિક રીતે થાકી જાય છે એટલે કે બાર મહિના ઘોડાને દોડતા શીખવાડવામાં આવે પરંતુ ખરા સમયે જ દશેરાના દિવસે જ ઘોડો દોડતો નથી. જેના લીધે મુંદરાની વિદ્યાર્થીનીઓ અન્યના મુકાબલે પરિણામમાં પાછળ રહી જાય છે. કદાચ એના લીધે જ કચ્છમાં કચ્છી શિક્ષકોની ભરતી થતી નહીં હોય એ કારણ પણ જવાબદાર હોઈ શકે.
કચ્છમાં કચ્છના વિદ્યાર્થીઓની ભરતી કરવાની સંવેદનશીલ રાજ્ય સરકારે મંજૂરી આપી હોવા છતાં ભુજની એક માત્ર સરકારી કોલેજ બંધ થઈ જતા હવે પુરુષ ઉમેદવારો અભ્યાસ ન કરતા કચ્છમાં કચ્છી જાણતા વિદ્યાર્થીઓની ભરતી કેવી રીતે થશે? એ એક મોટો સવાલ છે.
બેરોજગાર વિદ્યાર્થીઓ અને જાગૃત વાલીઓની વર્ષો જૂની માંગણી પછી સરકારે જ્યારે કચ્છમાં સ્થાનિક વિદ્યાર્થીઓની ભરતી કરવાની મંજૂરી આપેલ છે (જેનો યશ જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લીધો છે) ત્યારે ભુજની સરકારી પી.ટી સી. કોલેજને ચાલુ કરવામાં આવે, ત્યાં સુધી મુન્દ્રાને પી.ટી.સી. પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવે તથા પ્રાથમિકની જેમ માધ્યમિક શાળાઓમાં પણ સ્થાનિક ઉમેદવારોની ભરતી કરવામાં આવે એવી રજુઆત ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજ્યકક્ષાએ કરે એવી કચ્છના વિદ્યાર્થીઓ અને વાલીઓએ માંગ કરી છે.
તાજેતરમાં 2500 પ્રાથમિક શિક્ષકોની કચ્છના સ્થાનિક ઉમેદવારો દ્વારા ભરતી કરવાની મંજૂરી મળેલ છે. પરંતુ 2023માં ગુજરાતના 2769 વિદ્યાર્થીઓએ જ ટેટ-1ની પરીક્ષા પાસ કરેલ છે. અને કચ્છમાંથી તો માંડ 100 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હશે. એટલે જો આ સમસ્યાના યોગ્ય ઉકેલ લાવવો હોય તો અગાઉના વર્ષોમાં પી.ટી.સી. થયેલ કચ્છના વિદ્યાર્થીઓની ટૂંક સમયમાં જ ટેટ-1ની પરીક્ષા લેવામાં આવે અને પ્રથમ આવનાર 2500 ઉમેદવારની સીધી ભરતી કરવામાં આવે તો કચ્છના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સાચો ન્યાય અપાવ્યો ગણાશે. સરકારી શાળાઓમાં ભણવાની મોટી જાહેરાતો કરનાર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી આ બાબતની યોગ્ય દરખાસ્ત ઉચ્ચકક્ષાએ કરે અને જિલ્લાની શિક્ષણ સમિતિ, રાજ્યના શિક્ષણમંત્રીઓ અને મુખ્યમંત્રીશ્રી અંગત રસ લઈને મધ્યસ્થિ કરે એવી કચ્છ જિલ્લાએ માંગણી કરી છે.
ચોંકાવનારી માહિતી મુજબ કોલેજના પ્રાધ્યાપકો માટેની રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાની પરીક્ષા (જીસેટ/નેટ) પાસ કરનાર વિદ્યાર્થીઓ પણ નિમ્ન પ્રાથમિક એટલે કે ધોરણ એક થી પાંચ સુધીમાં ભણાવવાની પરીક્ષા (ટેટ-1) પાસ કરી શકયા નથી. કેમકે જી.પી.એસ.સી. અને યુ.પી.એસ સી. કરતા પણ અઘરી ટેટ-1ની પરીક્ષા લેવામાં આવે છે. જેનું ગત વર્ષનું પરિણામ 4 ટકાથી પણ ઓછું આવેલ છે. ટેટ-1ની પરીક્ષા આટલી બધી અઘરી બનાવીને શિક્ષણતંત્ર શું સાબિત કરવા માંગે છે એ જ સમજાતું નથી.