DEDIAPADA

દેડિયાપાડા ખાતે ૧૬૩ દિવ્યાંગોને કુલ ૨૬.૪૯ લાખના ખર્ચે સાધનોનું વિતરણ,

દેડિયાપાડા ખાતે ૧૬૩ દિવ્યાંગોને કુલ ૨૬.૪૯ લાખના ખર્ચે સાધનોનું વિતરણ,

 

છેવાડાના દિવ્યાંગ લાભાર્થીઓને સમાજની મુખ્યધારામાં લાવવા માટે સરકારના પ્રયાસોની પ્રસંશા કરતા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા,

 

વાત્સલ્ય સમાચાર

જેસીંગ વસાવા

દેડિયાપાડા અને સાગબારા તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત સાધનોનું વિતરણ કરી સ્વનિર્ભર બનાવવા માટે દેડિયાપાડાના જાનકી આશ્રમ શાળા ખાતે આયોજિત “દિવ્યાંગ સાધન સહાય વિતરણ” કાર્યક્રમ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને અને ‘હુડકો’ – સીએસઆર પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજીવ શર્માની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

 

આ પ્રસંગે ધારાસભ્ય વસાવાએ જણાવ્યું કે, દેડિયાપાડા-સાગબારા તાલુકાના છેવાડાના દિવ્યાંગ લાભાર્થીઓને સમાજની મુખ્યધારામાં લાવવા માટે આવા સરાહનીય પ્રયાસો થઈ રહ્યાં છે. આ પ્રયાસોના કારણે દિવ્યાંગજનો સામાન્ય માનવીને જેમ સ્વનિર્ભર અને ખુશખુશાલ જીવન હવે સામાન્ય માનવીની જેમ જીવી શકે છે. વસાવાએ ગ્રામજનોને સરકારની અનેકવિધ પ્રજાલક્ષી અનેક યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત, ઉજૈન એલિમ્કો અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની પ્રસંશા કરી હતી.

 

આ તકે હુડકોના સીએસઆર પ્રોજેક્ટ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજીવ શર્માએ પણ એલીમ્કોના માધ્યમથી દિવ્યાંગોને મદદરૂપ થવા બદલ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના દિવ્યાંગોને જીવન નિર્વાહમાં સરળતા રહે તેવા આશય સાથે સમયાંતરે આવા કેમ્પનું આયોજન કરીને વંચિત દિવ્યાંગો સુધી પહોંચવાનો સૌ સાથે મળી પ્રયાસ કરતા રહીશુ.

 

આ કાર્યક્રમ અંતર્ગત દેડિયાપાડા અને સાગાબારા તાલુકાના ૧૬૩ જરૂરિયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓને કુલ ૨૬.૪૯ લાખના ખર્ચે ૧૯ પ્રકારના ૨૮૯ જેટલા જરૂરિયાત મુજબ સાધનોનું વિતરણ કરાયું હતું. જેમાં બેટરી સંચાલિત ટ્રાયસિકલ, વ્હીલચેર, બ્રેલકિટ, શ્રવણયંત્ર અને વોકર સ્ટિક સહિતના વિવિધ જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

 

આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (સીએસઆર) અંતર્ગત એલિમ્કો ઉજૈન અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. જ્યાં એલિમ્કો ઉજૈનના મેનેજર શ્રી મૃદુલ અવસ્થી, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવા, દેડિયાપાડા પ્રાંત અધિકારી ધવલ સંગાડા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી બી.જે. પરમાર, જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી શ્રી ચેતન પરમાર અને મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં

હતા.

Back to top button
error: Content is protected !!