ભરૂચના દયાદરામાં દબાણો પર JCB ફર્યું:દબાણકારોને ત્રણ નોટિસ અપાઈ હતી, દબાણો નહીં હટાવતા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકાના દયાદરા ગામે નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પરના કરેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
ભરૂચ-જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા દયાદરા ગામની બહાર જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો આવેલા હોય જેના કારણે અહીંયાથી પસાર થયા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હતી.જેને લઇને હાઈવે ઓથોરિટી દ્વારા 27 જેટલા દબાણકારોને ત્રણ જેટલી નોટિસો આપીને દબાણો હટાવી લેવા સૂચનાઓ આપી હતી.જોકે તેમ છતાં દબાણકારો દ્વારા દબાણો નહિ હટાવવામાં આવતા આજ રોજ ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માનાણી, મામલતદાર અને નેશનલ હાઇવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભરત પટેલ તેમની ટીમ સાથે જેસીબી, ટ્રેકટર સહિત મશીનરી સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી.
જેના પગલે દબાણ કારોમાં પોતાનો સરસામાન બચવવા માટે દોડધામ મચી ગઇ હતી. જોકે, સ્થળ પર કોઈ વિરોધ કે વિવાદ સર્જાઈ રહ્યો ન હતો. આ અંગે હાઇવે ઓથોરિટીના એન્જિનિયર ભરત પટેલ જણાવ્યું હતું કે,સાંજ સુધીમાં તમામ ગેરકાયદે દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે. ગ્રામજનો દ્વારા સહકાર મળી રહ્યો હોવાનું પણ કહ્યું હતું. આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ના થાય તે પણ તંત્ર દ્વારા જોવામાં આવે તે પણ જરૂરી છે.



