શારીરિક સંબંધો માટે પરિણીત મહિલાની સહમતિ: કોર્ટના મતે તે ‘લગ્નનું અપમાન’
હાઇકોર્ટે દુષ્કર્મનો કેસ રદ કરવાનો આદેશ આપ્યો

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ‘લગ્નની લાલચ આપીને દુષ્કર્મ’ના એક કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે કે, કાયદેસર રીતે પરણેલી મહિલાને લગ્નના નામે શારીરિક સંબંધો માટે રાજી ન કરી શકાય. કોર્ટે એવું પણ અવલોકન કર્યું કે અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધો બાંધતી વખતે પણ મહિલા કાયદેસર રીતે પરિણીત હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, હાઇકોર્ટે આ કેસમાં નોંધાયેલી FIR રદ કરવાનો આદેશ આપ્યો છે. અરજી પર સુનાવણી કરી રહેલાં જસ્ટિસ શાલિની સિંહ નાગપાલે જણાવ્યું કે, ‘ફરિયાદ કરનાર (મહિલા)એ અરજદાર (પુરુષ)ના લગ્નના વચનોના પ્રભાવ હેઠળ શારીરિક સંબંધ બાંધ્યા હોય તેવું માની શકાય નહીં. તેમણે એવું પણ નોંધ્યું કે, મહિલા આ સમયગાળા દરમિયાન અરજદાર સાથે સહમતિથી શારીરિક સંબંધોમાં સામેલ રહી હતી.’
જસ્ટિસ નાગપાલે સ્પષ્ટ કર્યું કે, ‘જ્યારે પુખ્ત અને પરિણીત મહિલા લગ્નના વચન પર સહમતિથી શારીરિક સંબંધ ચાલુ રાખે છે, ત્યારે તે ‘તથ્યોની ખોટી ધારણા હેઠળ કરેલું કાર્ય’ ગણાતું નથી, પરંતુ લગ્નનું અપમાન છે. આવા કિસ્સામાં અરજદાર પર ગુનાહિત જવાબદારી નક્કી કરવા IPCની કલમ 90 લાગુ કરી શકાય નહીં.’ કોર્ટે એ પણ નોંધ્યું કે, ફરિયાદ કરનાર મહિલા પોતાના પતિ સાથે પરિણીત હોવા છતાં, એક વર્ષથી વધુ સમય સુધી અરજદાર સાથે સહમતિથી સંબંધમાં હતી.
કોર્ટે વધુમાં જણાવ્યું કે, ‘એવું લાગે છે કે ફરિયાદ કરનાર મહિલા લાંબા સમયથી અરજદાર સાથે શારીરિક સંબંધોમાં હતી. જોકે, જ્યારે અરજદારની સગાઈ મહિલાની બહેન સાથે થઈ, ત્યારે તેની લાગણીને ઠેસ પહોંચી અને તેથી કેસ નોંધવામાં આવ્યો. કોર્ટના મતે, અરજદાર વિરુદ્ધ FIRના આરોપો અને CrPCની કલમ 164 હેઠળના નિવેદનોને માન્ય રાખવામાં આવે તો પણ, કાયદેસર રીતે પરિણીત મહિલાને લગ્નના વચન આપીને શારીરિક સંબંધો માટે રાજી કરી શકાય તેવું માનવું અશક્ય છે.
કોર્ટે એ વાત પણ નોંધી કે, ફરિયાદ કરનાર મહિલા પોતે વકીલ છે અને તે સારી રીતે જાણે છે કે તે તેના પતિ સાથે કાયદેસરના લગ્નબંધનમાં છે. અરજદાર (પુરુષ) પણ વકીલ છે અને તે હાલમાં ફરિયાદી પક્ષના વકીલ સામે કેસ લડી રહ્યો છે. તેથી, કોર્ટના મતે, અરજદાર મહિલાને લગ્નના વચન આપીને શારીરિક સંબંધો માટે રાજી કરી શકે તેવી સ્થિતિમાં હતો કે કેમ, તે પ્રશ્ન જ ઊભો થતો નથી.
કોર્ટે એ પણ અવલોકન કર્યું કે અરજદાર વિરુદ્ધ IPCની કલમ 506 (ધમકી આપવી) હેઠળ કેસ નોંધાયેલો છે. મહિલાએ અરજદારની તેની બહેન સાથેની સગાઈનો વિરોધ કર્યો ત્યારે તેણે મહિલાને મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ હતો. જોકે, અરજદાર દ્વારા કહેવામાં આવેલા શબ્દોનો ખુલાસો ન થયો હોવાથી, કોર્ટે કહ્યું કે, ‘અરજદારનો ઈરાદો ફરિયાદ કરનારને ડરાવવાનો હતો કે કેમ, તે નક્કી કરવું શક્ય નથી. આ સાથે કોર્ટે FIRમાં તારીખ અને સ્થળોનો ઉલ્લેખ ન હોવા પર પણ ધ્યાન આપ્યું હતું.’




