“એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત ડીસાના ગુગળ ગામ ખાતે ૧૧ હજાર વૃક્ષોનું વાવેતર
9 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીના જન્મદિવસને ગ્રીન ડે તરીકે ઉજવાયો વન વિભાગ અને જનભાગીદારી થકી ૫ હેક્ટરમાં ૨૫ જાતના કુલ ૧૧ હજાર સ્થાનિક વૃક્ષોનું વાવેતર પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણા સૌની જવાબદારી: દરેક વ્યક્તિ પોતાના જન્મ દિવસ નિમિત્તે એક વૃક્ષ વાવેતર કરે:- ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી એક પેડ માઁ કે નામ તથા ડીસાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીના જન્મ દિવસને ગ્રીન દિવસ તરીકે ઉજવતા ડીસા તાલુકાના ગૂગળ ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે ગુગળ ગામ ખાતે જનભાગીદારી થકી ૫ હેક્ટર જમીનમાં કુલ ૧૧ હજાર સ્થાનિક ૨૫ પ્રકારના રોપાઓનું વાવેતર કરાયું હતું. કાર્યક્રમમાં દીપ પ્રાગટય બાદ વિદ્યાર્થીનીઓને પુસ્તકો ભેટ કરાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. ખેત તલાવડી બનાવવા માટે વ્યક્તિગત ખેડૂતને રૂપિયા ૩ લાખ જેટલી સબસિડી આપતી યોજના રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવી જેનો ફાયદો ખેડૂતોને મળ્યો છે. રાજ્ય સરકારશ્રીએ વરસાદી પાણીથી ખેતી કરતા ખેડૂતો માટે વધારાનું વીજ કનેક્શન આપ્યું છે જેનાથી હવે બનાસકાંઠાના ખેડૂતો તળાવ તથા ખેત તલાવડીના માધ્યમથી પણ ખેતી કરી શકે છે.
ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના “એક પેડ માઁ કે નામ” અભિયાનને સૌ કોઈએ સાથે મળીને સફળ બનાવવાનું બીડું ઉપાડ્યું છે. બનાસકાંઠા સામાજિક વન વિભાગ તથા જનભાગીદારી દ્વારા આજરોજ ડીસા પંથકમાં કુલ ૨૧ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જે પૈકી ગુગળ ખાતે ૧૧ હજાર વૃક્ષોનું વાવેતર કરાયું છે. તેમણે કહ્યું કે, વૃક્ષ વાવ્યા પછી તેનો ઉછેર કરવો એ આપણી સૌની જવાબદારી છે. વૃક્ષો પર પોતાના પરિવારના નામ લખી તેને ઉછેરવાની કાળજી લેવી જોઈએ. ગત વર્ષે વન વિભાગ સાથે મળીને ૧૫ હજાર વૃક્ષો માલગઢ ખાતે તથા બીજા ૮ હજાર વૃક્ષો વાવ્યા હતા તેમાં સફળતા મળી છે અને આજે એક વન કવચ ઊભું થયું છે. તેમણે કહ્યું કે, પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણા સૌની જવાબદારી છે. કીટનાશક દવાઓનો ઉપયોગ ટાળીએ તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીએ. પાનખરમાં વૃક્ષો ધરતીને પાણી આપવાનું કામ કરે છે. ખેત તલાવડી, કુવા રિચાર્જ સહિત વૃક્ષારોપણ તરફ ખેડૂતોને આગળ આવવા આહવાન કર્યું હતું. તેમણે ઉપસ્થિત સૌને પોતાના જન્મ દિવસ નિમિત્તે એક વૃક્ષ વાવેતર કરવા આહવાન કર્યું હતું. ગુગળ ખાતે આયોજિત કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીશ્રીઓ, પૂર્વ સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડિયા, ડીસા તાલુકાના સરપંચશ્રીઓ, સહકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.