Gondal: ગોંડલ શહેરમાં ગુંદાળા દરવાજા નજીક વિશનજી પેટ્રોલ પંપ પર લાગી આગ

તા.૧૧/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ, પોલીસ સ્ટાફ દ્વારા આગને ત્વરિત કાબુમાં લેવાઈ – મોકડ્રીલ જાહેર
Rajkot, Gondal: ગોંડલ શહેરમાં આવેલ વિશનજી પેટ્રોલ પંપ પર આગ લાગી હતી. જે અન્વયે આગને કાબૂ કરવા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.
ગોંડલ શહેરમાં અંદાજે બપોરે ત્રણ વાગ્યે ગુંદાળા દરવાજા પાસે આવેલ વિશનજી હેમરાજ પેટ્રોલ પંપના સંચાલક નિખિલભાઇ સચદે દ્વારા ઓઈલ વિભાગમાં આગ લાગી હોવાની ગોંડલ શહેર ડિઝાસ્ટર કંટ્રોલરૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમના કર્મચારીઓ દ્વારા રજીસ્ટરમાં આ વિશે નોંધ કરી, ફાયર ફાઈટર નગરપાલિકા, એમ્બ્યુલન્સ માટે સરકારી હોસ્પિટલ, કાયદો અને વ્યવસ્થા માટે બી-ડિવિઝન પોલીસ સ્ટેશન તથા લગત અધિકારીશ્રીઓને તુરંત ઘટના સ્થળે પહોંચવા ટેલીફોનિક જાણ કરાઈ હતી. આ સાથે જ મામલતદાર શ્રી ગોંડલ શહેર ઘટના સ્થળે પહોંચ્યા હતા, ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ, પોલીસ સ્ટાફ વગેરેએ આગને ત્વરિત કાબુમાં લીધી હતી. આશરે ૧૦ મિનિટમાં ક્વીક રિસ્પોન્સ મળતા આગ ઉપર કાબુ મેળવાયો હતો.
ગોંડલ શહેરના મામલતદાર શ્રી દિપકભાઈ ભટ્ટ દ્વારા આ ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી અને ગોંડલ પ્રાંત અધિકારી શ્રી રાહુલકુમાર ગમારાના માર્ગદર્શન તળે વિવિધ આપાતકાલીન સ્થિતિમાં હરહંમેશ ઝડપી કામગીરી હાથ ધરી સ્થિતિને કાબુમાં લઇ શકાય તે માટે વિવિધ પ્રકારની મોકડ્રીલ હાથ ધરવામાં આવે છે.





