હરિયાણા-જમ્મુ કાશ્મીર બાદ હવે 4 મહિનામાં ત્રણ રાજ્યમાં યોજાશે ચૂંટણી

હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન 15 વર્ષ બાદ સરકાર બનાવવા જઇ રહ્યું છે. બીજી તરફ હરિયાણામાં ભાજપે રેકોર્ડ ત્રીજી વખત સત્તામાં વાપસી કરી છે. હરિયાણાની રચના બાદથી અત્યાર સુધી કોઇ પાર્ટી સતત ત્રીજી વખત સરકાર બનાવી શકી નથી. હવે ચાર મહિનામાં ત્રણ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં ચૂંટણી યોજાશે.
મહારાષ્ટ્ર અને ઝારખંડની એક સાથે યોજાઇ શકે છે ચૂંટણી
મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર 2024 અને ઝારખંડનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025માં સમાપ્ત થઇ રહ્યો છે. ચૂંટણી પંચ દશેરા બાદ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે. 6 રાજ્યની 28 બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત પણ સાથે થઇ શકે છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં શું છે સ્થિતિ?
મહારાષ્ટ્રમાં વિધાનસભાની કૂલ 288 બેઠક છે. બહુમત માટે 145 બેઠકની જરૂર પડે છે. સત્તા પર રહેલ મહાગઠબંધન પાસે 201 બેઠક છે. ભાજપ પાસે સૌથી વધુ 103, શિવસેના 37, NCP 39, નાના પક્ષ 9 અને અપક્ષના 13 ધારાસભ્યોનું સમર્થન છે.
બીજી તરફ મહાવિકાસ અઘાડી પાસે કૂલ 67 બેઠક છે. જેમાં કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ જૂથ) પાસે 37-37 બેઠક છે. જ્યારે શરદ પવારની NCP પાસે 13 બેઠક, શેકાપ પાસે 1 અને એક સ્વતંત્ર પાર્ટીનું સમર્થન છે.
અન્ય પાર્ટીમાં MIMના 2, સમાજવાદી પાર્ટીના 2 અને CPI (M)ના એક ધારાસભ્ય છે.
લોકસભામાં કેવું રહ્યું પ્રદર્શન
2024માં લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકમાંથી INDIA ગઠબંધનને 30 અને NDAને 17 બેઠક મળી હતી. જેમાંથી ભાજપને 9, શિવસેનાને 7 અને NCPએ માત્ર એક બેઠક જીતી હતી. ભાજપને 23 બેઠકનું નુકસાન થયું હતું. 2019 લોકસભા ચૂંટણીમાં NDAને 41 બેઠક મળી હતી.
ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરીએ પૂર્ણ થશે
ઝારખંડ વિધાનસભામાં કૂલ 81 બેઠક છે જેમાંથી બહુમત માટે 41 બેઠકની જરૂર પડે છે.સત્તા પર રહેલ મહાગઠબંધન પાસે કૂલ 47 બેઠક છે. જેમાંથી JMM 27, કોંગ્રેસ 18, RJD 1 અને CPI (M) પાસે 1 બેઠક છે.
NDA ગઠબંધન પાસે 28 બેઠક છે જેમાંથી ભાજપ પાસે 24, આજસુ 3 અને NCP (AP)ની એક બેઠક છે.
અન્ય પાર્ટીમાં અપક્ષના 2 જ્યારે અન્ય પાર્ટીના 4 ધારાસભ્ય છે.
ઝારખંડમાં મહાગઠબંધન એટલે કે ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM)ના નેતૃત્ત્વ ધરાવતી સરકાર છે. જેમાં કોંગ્રેસ, RJD અને ડાબેરી સામેલ છે.ભાજપે ઝારખંડમાં સરકાર બનાવવા માટે સંથાલ પરગણા અને કોલ્હાન પ્રમંડળની 32 બેઠક પર ફોકસ કરવું પડશે.
સંથાલ પરગણાની 18 વિધાનસભા બેઠકમાંથી માત્ર ત્રણ બેઠક અત્યારે ભાજપ પાસે છે. ગત ચૂંટણીમાં કોલ્હાન પ્રમંડળની 14 વિધાનસભા બેઠક પર ભાજપનું ખાતું પણ ખુલ્યું નહતું. જમશેદપુર પૂર્વના તત્કાલીન મુખ્યમંત્રી રઘુવર દાસે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
જાન્યુઆરીમાં ભ્રષ્ટાચારના કેસમાં CM પદેથી રાજીનામું આપીને હેમંત સોરેને જેલમાં જવું પડ્યું હતું. જોકે, જામીન મળ્યા બાદ તે જેલમાંથી બહાર આવ્યા હતા અને ચંપઇ સોરેન પાસેથી 156 દિવસમાં CMનું પદ પરત લઇ લીધુ હતુ. તે બાદ ચંપઇ સોરેન ભાજપમાં સામેલ થઇ ગયા હતા. ઝારખંડ આંદોલનમાં શિબુ સોરેનના સાથી રહેલા ચંપઇને કોલ્હાન ટાઇગર પણ કહેવામાં આવે છે.
6 રાજ્યની 28 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાશે
આગામી સમયમાં 6 રાજ્યની 28 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાઇ શકે છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 10, રાજસ્થાનમાં 6, પંજાબમાં 5, બિહારમાં 4, મધ્ય પ્રદેશમાં 2 અને છત્તીસગઢમાં એક બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જેમાંથી પંજાબ છોડીને તમામ જગ્યાએ ભાજપ સત્તામાં છે.
દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે
દિલ્હીમાં પણ આગામી ચાર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠક છે અને બહુમત માટે 36 બેઠક જરૂરી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. આપ પાસે 59 ધારાસભ્ય છે. જ્યારે ભાજપ પાસે 7 અને ખાલી બેઠક 4 છે.
દિલ્હીમાં 10 વર્ષથી AAP સત્તામાં
દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરી 2025માં સમાપ્ત થશે. દિલ્હીમાં 10 વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નવેમ્બરમાં ચૂંટણી કરાવવાની માંગ કરી છે.
લીકર નીતિ કૌભાંડમાં 13 સપ્ટેમ્બરે જામીન મળ્યા બાદ 17 સપ્ટેમ્બરે કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. અહીં મજબૂત કિલ્લાને ભેદવો ભાજપ માટે મુશ્કેલ છે કારણ કે છેલ્લી બે ચૂંટણીમાં કેજરીવાલની પાર્ટીએ લગભગ ક્લીનસ્વીપ કર્યું હતું.
દિલ્હીમાં 10 વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે. કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાને કારણે AAP અને ભાજપ વચ્ચે LG દ્વારા વિવાદ થતો રહે છે.



