VALSADVALSAD CITY / TALUKO

વલસાડના તીથલ સમુદ્ર કાંઠે બે દિવસીય મેંગો ફેસ્ટીવલનો શુભારંભ કરાયો

વલસાડના તીથલ સમુદ્ર કાંઠે નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે બે દિવસીય મેંગો ફેસ્ટીવલનો શુભારંભ કરાયો

— કેરીના પાકના નુકશાનની માહિતી હવે સચોટ રીતે મળી રહે તે માટે સાયન્ટીફીક સિસ્ટમ સરકાર વિકસાવી રહી છેઃ કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

— વડાપ્રધાનશ્રીએ સમગ્ર એશિયામાં સૌ પ્રથમ વાર ગુજરાતમાં ક્લાઈમેન્ટ ચેન્જ ખાતાની રચના કરીઃ રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

— બંને મંત્રીશ્રીઓ અને મહાનુભાવોએ કેરીના સ્ટોલનું નિરિક્ષણ કરી ખેડૂતો સાથે ચર્ચા પણ કરી 

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૨૭ મે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈની સિધ્ધિ કહેવાય છે, જેના થકી તેમણે આખી દુનિયાને સાંકળી લીધી છે. કેન્દ્રિય નાણામંત્રીશ્રી નિર્મલા સીતારમને દેશના બજેટમાં મિલેટ્સ(જાડા ધાન્ય)ને શ્રી અન્ન તરીકે ઓળખાવ્યુ છે. આ જાડુ ધાન્ય પચવામાં હલકુ અને પૌષ્ટીક આહાર તરીકે ગણાય છે. સમગ્ર વિશ્વ ભૂખમરાથી નહી પીડાય તે માટેનો આ પ્રયાસ છે. આ અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રથમવાર મેંગો ફેસ્ટીવલનું આયોજન થયુ છે તે અભિનંદનને પાત્ર છે. વલસાડ જિલ્લામાં હવામાન અને વાવાઝોડાના કારણે કેરીના પાકને સૌથી વધુ નુકશાન થાય છે તે માટે સાયન્ટીફીક સિસ્ટમ સરકાર તૈયાર કરી રહી છે. જેનાથી નુકશાનીનો સર્વે કરવો પડશે નહી તુરંત જ ઓટોમેટિકલી કેટલું નુકશાન થયુ છે તેની સાચી માહિતી મળી જશે. એવુ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વલસાડના તીથલ સમુદ્ર કાંઠે આયોજિત બે દિવસીય મેંગો ફેસ્ટીવલના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું.

મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું કે, ખેડૂતો સૌ પ્રથમ પ્રાયોરીટીમાં આવે છે. તેઓની આવક બમણી કરવા માટે વડાપ્રધાનશ્રી સતત પ્રયાસ કરી રહ્યા છે. તેમણે નીમ કોટેડ યુરિયા ખાતરની પહેલ કરી છે. ત્યારબાદ કિસાન સન્માન નીધિની ભેટ આપી અને વચેટીયાઓને દૂર કરવા એફપીઓ પણ બનાવવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લો કેરી માટે પ્રખ્યાત છે. હાફૂસ કેરીને લાંબો સમય સુધી સંગ્રહી શકીએ છીએ, તેમાં લાંબા ગાળા સુધી જંતુ પડતા નથી. આપણા વલસાડ જિલ્લામાં કેરીનો સ્ટોક વધુ પ્રમાણમાં આવતો હોવાથી સહકારી ધોરણે કેનિંગ ફે્ક્ટરી શરૂ થાય તે માટેનું પણ આયોજન થઈ રહ્યું છે. જેનાથી ખેડૂતોને સારા અને સાચા ભાવ મળશે.

વલસાડ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને વન પર્યાવરણ, કલાયમેન્ટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ અને મિલેટ્સ વર્ષ દરમિયાન વલસાડ જિલ્લાએ મેંગો ફેસ્ટીવલની પહેલ કરી છે જે રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ છે. અહીં દેશ વિદેશની કેરીઓ જોવા મળી રહી છે. ખેડૂતોને પોતાના પાકનો સારામાં સારો ભાવ મળે તે માટે વડાપ્રધાનશ્રી સતત ચિંતિત છે. ખેતીના પાકને હવામાનની સૌથી વધુ અસર પડતી હોવાથી વડાપ્રધાનશ્રીએ સમગ્ર એશિયામાં સૌ પ્રથમ વાર ગુજરાતમાં ક્લાઈમેન્ટ ચેન્જ ખાતાની રચના કરી છે. જેના થકી ખેડૂતોને મૂલ્યવર્ધક પાક અને બમણી આવક થાય તે માટે પ્રયાસ હાથ ધરાયા છે.

વલસાડ અને ડાંગના સંસદસભ્ય ડો.કે.સી.પટેલે જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયુ હતુ જેની સામે ખેડૂતોને વળતર મળી રહે તે માટે લોકસભામાં પણ રજૂઆત કરી હતી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત કરી હતી. તેમણે ખાતરી આપી છે કે, વલસાડ જિલ્લાના ખેડૂતોને યોગ્ય વળતર મળશે.

પારડીના પરિયા સ્થિત કૃષિ પ્રાયોગિક કેન્દ્રના સંશોધન અને વૈજ્ઞાનિક વડા ડો. ડી.કે.શર્માએ કેરીની સેંકડો જાત વિશે માહિતી આપી હતી. આ સિવાય કેરીની ૪ હાઈબ્રીડ જાત પણ વિકસાવી હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે વલસાડ જિલ્લામાં અઢી થી ત્રણ લાખ ટન કેરી દર વર્ષે પાકતી હોવાાનો ઉલ્લેખ કર્યો હતો.

આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચપલોત, નાબાર્ડના જિલ્લા મેનેજર ગૌરવકુમાર, વલસાડ મામલતદાર (શહેર) કલ્પના ચૌધરી, જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા સંગઠનના મહામંત્રી કમલેશ પટેલ, તિથલ ગામના સરપંચ રાકેશભાઈ પટેલ અને ભાગડાવડાના સરપંચ ધર્મેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈએ સ્થાનિક અને વિદેશી કેરીના ૫૦ સ્ટોલનું નિરિક્ષણ કરી ખેડૂતો પાસે માહિતી મેળવી હતી. મહાનુભાવોનું સ્વાાગત કેરીની બાસ્કેટ વડે કરાયું હતું. સ્વાગત પ્રવચન વલસાડ જિલ્લા બાગાયત કચેરીના નાયબ નિયામક નિકુંજ પટેલે કર્યુ હતું. જ્યારે આભારવિધિ વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્નતિબેન દેસાઈએ કર્યુ હતું.

બોક્ષ મેટર

૩ કંપની સાથે ૧૧ ખેડૂતોના એમઓયુ કરવામાં આવ્યા

મેંગો ફેસ્ટીવલ દ્વારા કંપનીઓ અને ખેડૂતોની સીધી મુલાકાત થાય અને તેમની કેરી કંપનીઓ સીધી જ ખરીદી કરે તે હેતુથી ખેડૂત અને કંપનીઓ વચ્ચે કાર્યક્રમ દરમિયાન એમઓયુ કરવામાં આવ્યા હતા. જેમાં ફુડ એન્ડ ઈન્સ કંપની સાથે ૪ ખેડૂતો, મુરોહી ફુડ સાથે ૩ ખેડૂતો અને દેસાઈ બંધુ મેંગો પલ્પ સાથે ૪ ખેડૂતોના એમઓયુ કરવામાં આવ્યા હતા. કુલ ૧૧ ખેડૂતો અને કંપની વચ્ચે થયેલા એમઓયુનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

બોક્ષ મેટર

કેરીની સાથે આ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે

આ બે દિવસીય મેંગો ફેસ્ટીવલમાં કેરીની ખરીદીની સાથે સાથે અનેક આકર્ષણો પણ પર્યટકોના મનોરંજન માટે રાખવામાં આવ્યા છે. પ્રથમ દિવસે શનિવારે ખેડૂતો સાથે સંવાદ, ગજાનન નૃત્ય, માદળ નૃત્ય, લોકડાયરો, મેજિક શોનું આયોજન કરાયુ છે. જ્યારે બીજા દિવસે રવિવારે સાંજે ૪ કલાકે ગોંડળ નૃત્ય, ૪.૧૫ કલાકે દેશભક્તિ નૃત્ય, ૪.૩૦ કલાકે ગરબા અને રાસ, ૫ કલાકે લોક ડાયરો અને સાંજે ૬ કલાકે મેજિક શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો લ્હાવો માણવા સૌ સહેલાણીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

બોક્ષ મેટર

ડિસ્ટ્રક્ટ ટુરિઝમ કમિટી દ્વારા ફોટોગ્રાફી સ્પર્ધા શરૂ કરાઈ

કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીઓ અને કલેકટરશ્રીએ District Tourism Committee (Collector Office Valsad) દ્વારા તા. ૨૭ મે થી તા. ૫ ઓગસ્ટ સુધી યોજાનાર કેપ્ચર ધ નેચર ફોટોગ્રાફી સ્પર્ધાની લીંકના નિદર્શનના માધ્યમથી જાહેરાત કરી હતી. ફોટોની કેટેગરીમાં માત્ર વલસાડ જિલ્લાના જ નેચર (લેન્ડસ્કેપ) ફોટો સ્વીકારવામાં આવશે. જે અંગેનું રિઝલ્ટ વલસાડ કલેકટર કચેરી ખાતે તા. ૯ ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે. વિજેતા સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે રૂ. ૧૦ હજાર, બીજા ક્રમે રૂ. ૭ હજાર અને ત્રીજા ક્રમે રૂ. ૫ હજાર ઈનામ પેટે આપવામાં આવશે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!