Rajkot: ફૂલઝર ખાતે યોજાયા ત્રિવિધ કાર્યક્રમો: નવનિર્મિત માધ્યમિક શાળાના લોકાર્પણ સહ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ
તા.૨૮/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે અંદાજે ૩.૫ કરોડના ખર્ચે લેબોરેટરી,લાઇબ્રેરી,આધુનિક ક્લાસરૂમ, વોકેશનલ ટ્રેનિંગ સહિતની સુવિધાસભર નવનિર્મિત માધ્યમિક શાળાનું લોકાર્પણ
Rajkot: સમગ્ર રાજ્યમાં હાલમાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ઘર આંગણે જ સુવિધાઓ મળી રહે તે હેતુ સહ વિંછીયા તાલુકાના ફુલઝર ખાતે નવીન માધ્યમિક શાળાનું આજે જળ સંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે બાળકો ઉમંગભેર શાળા પ્રવેશ કરે તેમજ દીકરીઓ પણ સારું શિક્ષણ મેળવી ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૦૩ના વર્ષમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આજે શિક્ષણ ક્ષેત્રે થયેલી ક્રાંતિના પરિણામે જસદણ-વિંછીયા પંથકમાં સમગ્ર રાજ્યના કોઈ પણ વિસ્તારની સાપેક્ષે સૌથી વધુ સીમ શાળા કાર્યરત છે, સાથે જ દીકરીઓને પ્રાથમિક શિક્ષણ બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે પણ દૂર ન જવું પડે અને તે કારણે તેઓ અભ્યાસ અધવચ્ચે છોડી ન દે તે માટે હાલમાં જસદણ તાલુકામાં ૧૩ અને વિંછીયા તાલુકામાં ૧૪ સરકારી માધ્યમિક શાળાઓ સહિત વિસ્તારમાં ૩૧ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કાર્યરત છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, નવનિર્મિત માધ્યમિક શાળાથી ફૂલઝર અને આસપાસના ગ્રામ વિસ્તારોના વિદ્યાર્થીઓને લાઇબ્રેરી, લેબોરેટરી, આધુનિક સ્માર્ટ ક્લાસરૂમ, ઈલેક્ટ્રીક રૂમ, વોટર કુલર અને ફાયર સેફટીના સાધનોથી સજ્જ એવી વોકેશનલ ટ્રેનિંગ આપતી શાળા પ્રાપ્ય બની છે. જેમાં આજે ૪૮ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે.
જી.સી.આર.ટી.ના નિયામક શ્રી એ.કે.મોઢે કહ્યું હતું કે, બાળકો દેવ સમાન છે ત્યારે વિદ્યાના મંદિરમાં તેઓને પ્રવેશ અપાવી જાણે આજે શાળામાં બાલદેવોનું સ્થાપન કર્યું હોય તેવો અવસર આવ્યો છે. આ સાથે તેમણે રાજય સરકારની યોજનાઓનો લાભ લઇ બાળકો જીવનમાં ઉન્નતિ કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
ફૂલઝર પ્રાથમિક શાળા, સીમશાળા અને માધ્યમિક શાળા તથા આંગણવાડીઓના સંયુક્ત કાર્યક્રમમાં આંગણવાડીમાં ૧૯, બાલવાટિકામાં ૩૪, ધોરણ ૧ માં ૩૩, અને ધો. ૯માં ૪૮ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના અને એન.એમ.એમ.એસ. યોજનાઓમાં મેરીટમાં સ્થાન મેળવનાર, એક થી આઠ ધોરણમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ, વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાની વિદ્યાર્થીનીએ સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિષય પર વક્તવ્ય રજૂ કર્યું હતું. મહાનુભાવશ્રીઓ હસ્તે દાતાશ્રીઓને સન્માનિત કરાયા હતા.મંત્રીશ્રીના હસ્તે શાળા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દેવરાજભાઈ, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી મિહિરભાઈ ચાવડા,તાલુકા શિક્ષણાધિકારી શ્રી વનરાજભાઈ, અધિકારી શ્રી વિનુભાઈ, બી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી કલ્યાણી, સરપંચ શ્રી અમૃતભાઈ પરમાર, અગ્રણી શ્રી રામધણભાઈ સુંવાળા, આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.