NATIONAL

તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો, કંઈ જ સ્વતંત્ર બચ્યું નથી : સુપ્રીમ કોર્ટ

હિમાચલ પ્રદેશમાં એક અધિકારી વિમલ નેગીના મૃત્યુના મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આકરી મૌખિક ટિપ્પણી કરી હતી, અને કહ્યું હતું કે તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો છે, કઇ જ સ્વતંત્ર નથી બચ્યું. આ કેસમાં અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે તપાસ ના કરાતા સુપ્રીમ કોર્ટે ઉધડો લીધો હતો અને જવાબદાર અધિકારીને સેવામાં રહેવાને લાયક ના હોય તેવા બોગસ અધિકારી ઠેરવ્યા હતા.

હિમાચલ પ્રદેશના પાવર કોર્પોરેશન લિ. (એચપીપીસીએલ)ના અધિકારી વિમલ નેગીના મોતની તપાસ કરી રહેલી સીબીઆઇના અધિકારીને ફટકાર લગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ અધિકારી સેવામાં રહેવાને લાયક જ નથી. આ મામલામાં આરોપી દેશરાજ પણ એચપીપીસીએલ સાથે સંકળાયેલા છે. તેમના દ્વારા સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામની મુદ્દે અરજી કરવામાં આવી હતી જેની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ ટિપ્પણી કરી હતી. સીબીઆઇએ આરોપીની કલાકો સુધી પૂછપરછ કરી પરંતુ સહકાર નથી આપી રહ્યા તેવી એક જ લાઇનનો ઉલ્લેખ કર્યો હતો. જેને કારણે સુપ્રીમે અધિકારીનો ઉધડો લીધો હતો.

સુપ્રીમની બેંચે મૌખીક રીતે પૂછ્યું હતું કે આ મામલામાં તપાસકર્તા કોણ છે? સવાલ પૂછનાર કોણ છે? આ અત્યંત બાલિશ છે, જો ખરેખર તપાસકર્તા સીનિયર અધિકારી હશે તો પછી સીબીઆઇ માટે અત્યંત દુ:ખદ બાબત છે. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશ પાવર કોર્પોરેશન લિ.ના અધિકારીઓ દ્વારા અત્યાચાર કરાતા આ કંપનીના જ અન્ય એક કર્મચારી વિમલ નેગીએ આત્મહત્યા કરી લીધી હતી તેવો આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે. સીબીઆઇ અધિકારીએ આ મામલામાં અત્યાર સુધી કરેલી તપાસમાં કોઇ ખાસ હકીકત સામે ના આવતા તેમજ કોઇ જ પુરાવા રજુ ના થતા સુપ્રીમ કોર્ટે ઉધડો લીધો હતો.

સીબીઆઇ અધિકારીનો ઉધડો લેતા સુપ્રીમની બેંચે કહ્યું હતું કે શું તમે રાજકારણ રમી રહ્યા છો? તમને સર્વિસમાંથી કાઢી મુકવા જોઇએ, તમારી પાસે માત્ર મૌખિક નિવેદનો જ છે, એક પેરેગ્રાફ પુરતા પણ પુરાવા નથી, તમને ખુલ્લો પડકાર છે અમને તમારી તપાસમાં સામે આવેલા પુરાવા બતાવો, માત્ર મૌખિક નિવેદનોના આધારે તમે કોઇને સજા અપાવવા માગો છો? સુપ્રીમના ન્યાયાધીશ અહસાનુદ્દીન અમનુલ્લાહ અને ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રાની બેંચ દ્વારા આ મામલાની સુનાવણી કરાઇ હતી, આ દરમિયાન બેંચે મૌખિક અવલોકન કરતા કહ્યું હતું કે તમામ સંસ્થાઓ ધ્વસ્ત કરી દેવાઇ છે, કઇ જ સ્વતંત્ર નથી રહ્યું. આ મામલામાં હાલ સુપ્રીમ કોર્ટે અરજદારના આગોતરા જામીન મંજૂર કર્યા હતા અને તપાસમાં સહકાર આપવા કહ્યું હતું.

Back to top button
error: Content is protected !!