જમ્મુ-કાશ્મીરમાં વહેલી પરોઢે અનુભવાયા ભૂકંપના આંચકા, 4.6 ની તીવ્રતા નોંધાઈ

રવિવારની વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા વિસ્તારમાં અચાનક જમીન ધ્રુજી ઉઠતાં લોકોમાં થોડી ક્ષણો માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. સવારે આશરે 4:32 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 નોંધાઈ હતી. આંચકા અનુભવાતા જ ઘણા લોકો સુરક્ષાના ભાગરૂપે ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. સદનસીબે, આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. છતાં, અચાનક લાગેલા ઝટકાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આ ઘટના પહેલાંના દિવસે પણ દેશના અન્ય વિસ્તારોમાં જમીન કંપી હતી. મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં શનિવારે સવારે આશરે 8:45 વાગ્યે 4.7 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આંચકાનો અસર નાંદેડ અને પરભણી સુધી પણ અનુભવાયો હતો. કેટલીક જગ્યાએ ઘરો અને સામાજિક ઈમારતોમાં નાની તિરાડો પડ્યાની માહિતી સામે આવી હતી, જોકે કોઈ ગંભીર નુકસાન નોંધાયું નથી. તે ઉપરાંત, મ્યાનમારમાં પણ 4.0 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જે દર્શાવે છે કે છેલ્લા થોડા દિવસોમાં ભૂકંપીય પ્રવૃત્તિમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે.





