NATIONAL

આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું, 3 રાજ્યોમાં જંગી મતદાન

આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીના આંકડા મુજબ આસામમાં સૌથી વધુ 84.42%, પુડુચેરીમાં 86.92% અને કેરળમાં 75.01% મતદાન નોંધાયું છે. કેરળની 140, આસામની 126 અને પુડુચેરીની 30 બેઠકો પર જનતા ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરી રહી છે.

આસામની 126 બેઠકો પર 722 ઉમેદવારો મેદાનમાં છે. શાંતિપૂર્ણ મતદાન માટે 31,940 મતદાન કેન્દ્રો પર 1.5 લાખથી વધુ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ કેન્દ્રો પર માઇક્રો-ઓબ્ઝર્વર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ હેટ્રિક જીત મેળવવા માંગે છે, જ્યારે કોંગ્રેસે ગૌરવ ગોગોઈના ચહેરાને આગળ ધરીને સત્તા હાંસલ કરવા ઈચ્છે છે.

કેરળની તમામ 140 બેઠકો પર 883 ઉમેદવારો વચ્ચે મુકાબલો છે. અહીં 2.71 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પિનરાઈ વિજયનની આગેવાની હેઠળનું LDF ત્રીજી વાર સત્તામાં આવવા ઇચ્છુક છે, જ્યારે કોંગ્રેસ નેતૃત્વ હેઠળનું UDF પોતાની ખોવાયેલી સત્તા મેળવવા મહેનત કરી રહ્યું છે. ભાજપ પણ અહીં પોતાની તાકાત વધારીને ખાતું ખોલવાની આશા રાખી રહ્યું છે.

પુડુચેરીમાં 30 બેઠકો પર 294 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન દરમિયાન મન્નાદીપેટના તિરુકાનૂર ગામમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જોકે આ ઘટનાથી મતદાન પ્રક્રિયા પર કોઈ અસર પડી નથી.

વિધાનસભા ચૂંટણીની સાથે જ આજે કર્ણાટકની 2, નાગાલૅન્ડની 1 અને ત્રિપુરાની 1 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ગોવામાં પણ એક બેઠક પર પેટાચૂંટણી થવાની હતી, પરંતુ હાઇકોર્ટે તેના પર રોક લગાવી દેતા મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આશ્ચર્ય અને નિરાશા વ્યક્ત કરી છે.

Back to top button
error: Content is protected !!