હાથરસ દુર્ઘટનામાં 121 લોકોનાં મૃત્યુ માટે બાબાના બ્લેક કમાન્ડો જવાબદાર, તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
હાથરસ નાસભાગનો મામલો સુપ્રીમકોર્ટ-હાઈકોર્ટ પહોંચ્યો, અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માગ

ઉત્તર પ્રદેશના હાથરસના ફુલરાઈ ગામમાં મંગળવારે સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 ભક્તોનાં મોતથી સૌ કોઈ આઘાત પામી ગયા છે. SDMએ હવે આ અકસ્માતનો પ્રાથમિક તપાસ રિપોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ને સુપરત કર્યો હતો. એ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સત્સંગની સમાપ્તિ પછી ભક્તો ભોલે બાબા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમના સેવકો અને અંગત ગાર્ડ્સ (બ્લેક કમાન્ડો) જાતે જ ધક્કા-મુક્કી કરવા લાગ્યા હતા જેના લીધે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી.
એસડીએમના જણાવ્યા અનુસાર સત્સંગમાં બે લાખથી વધુ ભક્તો હાજર હતા. ભોલે બાબા લગભગ 12.30 વાગ્યે પંડાલમાં પહોંચ્યા અને તેમનો કાર્યક્રમ 1 કલાક સુધી ચાલ્યો. દરમિયાન ભોલે બાબા બપોરે 1.40 વાગ્યે પંડાલમાંથી બહાર આવ્યા ત્યારે ભક્તો તેમના ચરણોની ધૂળને સ્પર્શ કરવા આગળ આવ્યા હતા. લોકો ડિવાઈડર કૂદીને બાબાના વાહન તરફ દોડવા લાગ્યા હતા. પરંતુ બાબાના અંગત રક્ષકો અને સેવકોએ ધક્કે ચઢાવવાની શરૂઆત કરી. ત્યારપછી ઘણાં લોકો નીચે પડી ગયા અને ભીડ નીચે કચડાવા લાગ્યા.
એસડીએમના અહેવાલ મુજબ, ઘણા શ્રદ્ધાળુઓ સ્થળની સામેના ખેતરો તરફ દોડી ગયા હતા પણ ત્યાં તેઓ લપસીને પડી ગયા હતા. તેમ છતાં કોઈ રોકાયું નહીં અને એકબીજાને કચડતાં આગળ દોડવા લાગ્યા. જે નીચે પડ્યો તે ઊભો જ ના થઈ શક્યો. જેના લીધે ઘણા ભક્તો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મચારીઓએ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. તેમાંથી કેટલાકને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે કેટલાકને સારવાર માટે એટા અને અલીગઢની સરકારી હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા હતા.
આ અકસ્માત બાદ પોલીસે ભોલે બાબાના મુખ્ય સેવક અને આયોજકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પરંતુ FIRમાં ભોલે બાબાનું નામ સામેલ નથી. આ પોલીસ FIR પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સત્સંગ માટે પરવાનગી લેવામાં આવી હતી. પરંતુ માત્ર 80,000 ભક્તોની ભાગીદારી માટે પરવાનગી માંગવામાં આવી હતી, જેની સામે બે લાખથી વધુ ભક્તો સત્સંગમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.
હાથરસ નાસભાગમાં સુપ્રીમ કોર્ટ તથા અલાહાબાદ હાઈકોર્ટને દખલગીરી કરવા માગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દુર્ઘટના માટે જવાબદાર લોકો અને અધિકારીઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી છે.
સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ અરજી કરી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વ હેઠળ પાંચ સભ્યોની સમિતિ બનાવવા તથા ઉત્તરપ્રદેશ સરકાર સમક્ષ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાની માગ કરી છે. જેમાં જણાવ્યું છે કે, આવા આયોજનો માટે માર્ગદર્શિકા બનાવવામાં આવે. તેમજ અલાહાબાદ હાઈ કોર્ટના વકીલ ગૌરવ દ્વિવેદીએ પણ ચીફ જસ્ટિસને પત્ર લખી આ દુર્ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવા માગ કરી છે.
પ્રત્યક્ષદર્શીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જિલ્લાના સિકંદરારાઉ કસબા નજીક એટા રોડ સ્થિત ફુલરઈ ગામમાં સત્સંગ બાદ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નાસભાગનું મુખ્ય કારણ કથાવાચક ભોલે બાબાનો કાફલાની ધૂળ લેવા ભક્તોની પડાપડી હતી. જેથી મોટાભાગના લોકો કચડાઈ જવાથી મૃત્યુ પામ્યા હતાં. અત્યારસુધી કુલ 121 લોકોના મોત નીપજ્યા છે. મૃતકો હાથરસ અને એટાના રહેવાસી છે.
બપોરે લગભગ 12.30 વાગ્યે સત્સંગ સમાપ્ત થયા બાદ ભીડને રોકી હતી. અને ભોલે બાબા પાછળના દરવાજેથી જઈ રહ્યા હતા. ત્યારે શ્રદ્ધાળુઓ બેકાબૂ બની ભોલે બાબાને પગે લાગવા પડપડી કરવા લાગ્યા અને નાસભાગ થઈ. લોકો એક-બીજા પર પગ મૂકીને દોડતા રહ્યા અને સત્સંગ મંડપ નજીક આવેલા ખાડામાં પડ્યા હતા. આ ખાડામાં એકની ઉપર એક દટાઈ જવાથી ગૂંગળામણમાં લોકો મૃત્યુ પામ્યા હતા.



