‘મંદિર હોય કે દરગાહ, કોઇ પણ ધાર્મિક સ્થળ અડચણ ન બની શકે’, : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે સાર્વજનિક સ્થળે બનેલા મંદિર, મસ્જિદ કે અન્ય કોઈ ધાર્મિક સ્થળને હટાવવા અંગે કડક ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આપણો એક ધર્મનિરપેક્ષ દેશ છે અને અમારા નિર્દેશો દરેક માટે હશે, પછી ભલે તે ધર્મ કે સમુદાયનો હોય. જાહેર જગ્યાઓ પર અતિક્રમણ માટે અમે કહ્યું છે કે જો તે જાહેર રોડ કે ફૂટપાથ કે વોટર બોડી કે રેલ્વે લાઈન વિસ્તાર પર હોય તો અમે સ્પષ્ટ કર્યું છે. જો રસ્તાની વચ્ચે કોઈ ધાર્મિક સ્થળ હોય, પછી તે ગુરુદ્વારા હોય કે દરગાહ હોય કે મંદિર હોય, તો તે લોકોના જીવનમાં અડચણ ના બની શકે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઇએ કહ્યું કે પછી મંદિર હોય, દરગાહ હોય કે અન્ય કોઇ ધાર્મિક સ્થળ હોય, જ્યાં જનતાની સુરક્ષાની વાત હશે અને પબ્લિક પ્લેસ પર હશે તો તેને હટાવવું પડશે. જનતાની સુરક્ષા સર્વોપરી છે. સુનાવણી દરમિયાન જસ્ટીસ કેવી વિશ્વનાથને કહ્યું કે જો ઉલ્લંઘન કરનારા બે સ્ટ્રક્ચર છે અને માત્ર એક વિરૂદ્ધ જ કાર્યવાહી કરવામાં આવે છે તો સવાલ ઉભા થાય છે.
સુનાવણી દરમિયાન યુપી સરકાર માટે સોલિસીટર જનરલ તુષાર મહેતા પહોંચ્યા હતા. જોકે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તરફથી પણ તે હાજર થયા હતા. તુષાર મહેતાએ કહ્યું, ‘મારૂ સૂચન છે કે રજિસ્ટર્ડ ડાકથી નોટિસ મોકલવાની વ્યવસ્થા હોવી જોઇએ.10 દિવસનો સમય આપવો જોઇએ. હું કેટલાક તથ્ય રાખવા માંગુ છું. અહીં એવી છબી બનાવવામાં આવી રહી છે, જેમાં એક સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.’
સોલિસીટર જનરલ તુષાર મહેતાની દલીલ પર જસ્ટિસ ગવઇએ કહ્યું કે અમે એક ધર્મનિરપેક્ષ વ્યવસ્થામાં છીએ. ગેરકાયદેસર દબાણ હિન્દૂનું હોય કે મુસ્લિમનું..કાર્યવાહી થવી જોઇએ. જેના પર તુષાર મહેતાએ કહ્યું કે, બિલકુલ, આ જ થાય છે. તે બાદ જસ્ટિસ વિશ્વનાથને કહ્યુ કે જો 2 ગેરકાયદેસર નિર્માણ છે અને તમે કોઇ ગુનાનો આરોપ બતાવી તેમાંથી એકને તોડી પાડો છો તો સવાલ ઉભા થશે જ. આ દરમિયાન જસ્ટિસ ગવઇએ કહ્યું કે હું જ્યારે મુંબઇમાં જજ હતો ત્યારે ખુદ પણ ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણ હટાવવાનો આદેશ આપ્યો હતો પરંતુ આપણે અહીં સમજવું પડશે કે ગુનાનો આરોપી અથવા દોષી હોવું મકાન તોડવાનો આધાર ના બની શકે. તેને ‘બુલડોઝર જસ્ટિસ’ કહેવામાં આવે છે.
સોલિસીટર તુષાર મહેતાએ કહ્યું કે નોટિસ દીવાલ પર ચોટાડવામાં આવે છે. આ લોકો માંગ કરી રહ્યાં છે કે આવું સાક્ષીની હાજરીમાં થાય જેના પર જસ્ટિસ ગવઇએ કહ્યું ક જો નોટિસ બનાવટી હોઇ શકે છે તો સાક્ષી પણ બનાવટી હોઇ શકે છે. આ કોઇ સમાધાન નથી. જસ્ટિસ ગવઇએ કહ્યું કે જો 10 દિવસનો સમય મળશે તો લોકો કોર્ટનો દરવાજો ખખડાવી શકશે. જેના પર તુષાર મહેતાએ કહ્યું કે હું વિનમ્રતાથી કહેવા માંગુ છું કે આ સ્થાનિક મ્યુનિસિપલ નિયમો સાથે છેડછાડ હશે. આ રીતના ગેરકાયદેસર દબાણને હટાવવું મુશ્કેલ બની જશે.