NATIONAL

દેશના આઈટી હબ ગણાતા બેંગલુરુમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

કર્ણાટકની રાજધાની અને દેશના આઈટી હબ ગણાતા બેંગલુરુમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ ત્રણ દાયકા બાદ શહેર ફરી એકવાર પરંપરાગત પેપર બેલેટ(મતપત્ર) પ્રણાલી તરફ પાછું વળી રહ્યું છે.

કર્ણાટક રાજ્ય ચૂંટણી કમિશનર જી.એસ. સંગ્રેશીએ જાહેરાત કરી છે કે ગ્રેટર બેંગલુરુ ઓથોરિટી(GBA) હેઠળ આવતી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ 25 મેથી 30 જૂન વચ્ચે યોજાશે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે વોટિંગ મશીન (EVM)ના બદલે કાગળના મતપત્રોનો ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બેંગલુરુમાં છેલ્લે 1996માં બેલેટ પેપરનો ઉપયોગ થયો હતો, ત્યારબાદ અત્યાર સુધી EVMથી જ મતદાન થતું હતું.

ચૂંટણી પંચે આ નિર્ણય પાછળ ‘બેસ્ટ પ્રેક્ટિસ’નો તર્ક આપ્યો છે. કમિશનર સંગ્રેશીના જણાવ્યા અનુસાર, બેલેટ પેપર પ્રણાલી આજે પણ અમેરિકા જેવા વિકસિત દેશોમાં વ્યાપકપણે વપરાય છે, જે તેની વિશ્વસનીયતા દર્શાવે છે. ગ્રેટર બેંગલુરુ ઓથોરિટી(GBA) એક્ટ મુજબ ચૂંટણી પંચ પાસે EVM અથવા બેલેટ પેપર પૈકી કોઈ પણ વિકલ્પ પસંદ કરવાની સ્વાયત્તતા છે, જેનો ઉપયોગ કરીને આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર માત્ર બેંગલુરુ પૂરતો સીમિત નથી, પરંતુ પંચે આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ બેલેટ પેપરથી જ કરાવવાનું નક્કી કર્યું છે, જે સ્થાનિક સ્તરે લોકશાહીની પ્રક્રિયામાં એક મોટો વળાંક લાવશે.

જ્યારે EVMને બદલે બેલેટ પેપરના ઉપયોગથી ચૂંટણીમાં ગેરરીતિ કે ધાંધલી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી, ત્યારે કમિશનરે જનતાને ખાતરી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાસ રાખવામાં આવશે નહીં અને તમામ મતદાન મથકો પર CCTV કેમેરા દ્વારા કડક અને સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત, મતદાન પ્રક્રિયા દરમિયાન શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. અંતમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ છે જેથી આગામી ચૂંટણી એકદમ પારદર્શક, નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન કરી શકાય.

બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદત સપ્ટેમ્બર 2020માં જ પૂરી થઈ ગઈ હતી. લાંબા સમયથી ચાલી રહેલા વિલંબ બાદ સુપ્રીમ કોર્ટે 30 જૂન સુધીમાં કોઈપણ સંજોગોમાં ચૂંટણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. વિદ્યાર્થીઓની SSLC અને PUC પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને મે-જૂનનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.

માત્ર કર્ણાટક જ નહીં, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યો પણ સ્થાનિક સ્તરે પંચાયત અને નિકાય ચૂંટણીઓ માટે બેલેટ પેપરનો ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણી પંચે બાકી રહેલા મતદારોને વહેલી તકે નોંધણી કરાવવા અપીલ કરી છે. 25 વર્ષ બાદ બેંગલુરુમાં મતપત્રની વાપસી એ ભારતીય ચૂંટણી પ્રક્રિયામાં એક મોટો વળાંક સાબિત થઈ શકે છે.

Back to top button
error: Content is protected !!