દેશની સૌથી મોટી પાર્ટી ભાજપને 2024-25માં અન્ય પક્ષોની તુલનાએ સૌથી વધુ ફંડ મળ્યું

સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય જાહેર કરીને બંધ કરી દીધી હતી. જોકે રાજકીય પક્ષોને દાન મળવાનો સિલસિલો યથાવત્ છે. રિપોર્ટ મુજબ, ભાજપે ચૂંટણી પંચ સમક્ષ મળેલા ફંડનો ડેટા જાહેર કર્યો છે, તે મુજબ દેશની સૌથી મોટી પાર્ટી ભાજપને 2024-25માં અન્ય પક્ષોની તુલનાએ સૌથી વધુ ફંડ મળ્યું છે.
ભાજપ કોન્ટ્રીબ્યુશન રિપોર્ટ મુજબ, 2024-25માં લોકસભા ચૂંટણીના સમયગાળામાં ભાજપને 6088 કરોડ રૂપિયાનું અને 2023-24માં 3967 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. કોંગ્રેસને મળેલા ફંડના આંકડા જોતાં ભાજપને તેના કરતાં 1000 ટકા વધુ ફંડ મળ્યું હોવાનું સામે આવ્યું છે.
કોંગ્રેસની વાત કરીએ તો પાર્ટીને 2024-25માં 522.13 કરોડનું ફંડ મળ્યું હતું. ભાજપ સિવાયના કોંગ્રેસ સહિતના તમામ પક્ષોના ફંડની વાત કરીએ તો આ આંકડો 1343 કરોડ થાય છે. એટલે તે તમામ પક્ષોના કુલ ફંડથી પણ ભાજપને વધુ ફંડ મળ્યું છે. ભાજપે કોંગ્રેસ કરતા 12 ઘણુ વધુ ફંડ મળ્યું છે. આમ તો ભાજપે 162 પેજનો દસ્તાવેજ ચૂંટણી પંચમાં રજૂ કર્યો છે, જેના અનેક રસપ્રદ આંકડા હોઈ શકે છે.
રિપોર્ટ મુજબ, ભાજપને 2024-25માં ચૂંટણી બોન્ડ દ્વારા 3744 કરોડનું ફંડ મળ્યું છે, એટલે કે આમાંથી 61 ટકાનું ફંડ ચૂંટણી ટ્રસ્ટ દ્વારા મળેલું છે. જ્યારે મોટી કોર્પોરેટ અને અન્યો પાસેથી 2344 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે. ભાજપે જે ટોપ-30 કંપનીઓએ ફંડ આપ્યું છે, જેમાં અનેક મોટી કંપનીઓ સામેલ છે.
સૌથી મોટી વાત એ છે કે, ભાજપે છ વર્ષમાં સૌથી વધુ દાન મેળવ્યું છે. જ્યારે જેણે પાર્ટીને 20 હજારનું દાન આપ્યું છે, તેમને કોન્ટ્રીબ્યુશનમાં સામેલ કરાયા છે. નિયમો મુજબ, કોઈપણ કોર્પોરેટ ચેક, ડિમાન્ડ ટ્રાફ્ટ અથવા બૅંક ટ્રાન્સફર દ્વારા વિવિધ પક્ષોને દાન આપી શકાય છે. તમામ પક્ષોએ દાનની રકમ પોતાના વાર્ષિક રિપોર્ટમાં લખવી અને તે રિપોર્ટ ચૂંટણી પંચને આપવો ફરજિયાત છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં ચૂંટણી બોન્ડની શરુઆત થઈ હતી. કોઈપણ વ્યક્તિ અને કોર્પોરેટર કંપની બોન્ડ દ્વારા કોઈપણ રાજકીય પાર્ટીને પોતાની ઓળખ જાહેર કર્યા વગર અનલિમિટેડ નાણાં દાન કરી શકે છે.
ચૂંટણી બોન્ડ રદ થયા પછીના એક નાણાકીય વર્ષમાં નવ ચૂંટણી ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને કુલ રૂ. 3811 કરોડનું દાન આપ્યું હતું, જેમાં સૌથી વધુ દાન એકલા ભાજપને રૂ. 3112 કરોડ મળ્યું હતું, જે કુલ દાનના 82 ટકા જેટલું છે. ભાજપ પછી ચૂંટણી ટ્રસ્ટોએ કોંગ્રેસને માત્ર રૂ.299 કરોડનું દાન આપ્યું, જે માત્ર આઠ ટકા છે તથા બાકીના પક્ષોને કુલ રૂ.400 કરોડનું દાન મળ્યું.
મીડિયા રિપોર્ટ મુજબ ચૂંટણી પંચમાં 19 ચૂંટણી ટ્રસ્ટોએ નોંધણી કરાવેલી છે, જેમાંથી 13 ટ્રસ્ટોએ રાજકીય પક્ષોને આપેલા દાનની વિગતો ચૂંટણી પંચને આપી છે. આ ટ્રસ્ટોમાંથી નવ ટ્રસ્ટોએ વર્ષ 2024-25માં રાજકીય પક્ષોને કુલ રૂ. 3811 કરોડનું દાન આપ્યું હોવાનું જણાવ્યું છે, જે વર્ષ 2023-24માં અપાયેલા રૂ. 1,218 કરોડની સરખામણીમાં 200 ટકાનો વધારો દર્શાવે છે. રિપોર્ટ મુજબ જનહિત, પરિવર્તન, જય હિંદ અને જય ભારત એમ ચાર ટ્રસ્ટોએ વર્ષ 2024-25માં કોઈપણ રાજકીય પક્ષને દાન આપ્યું નથી.
બીજીબાજુ પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપને સૌથી વધુ દાન આપ્યું છે. આ ટ્રસ્ટે વર્ષ 2024-25માં કુલ રૂ. 2,668 કરોડનું દાન રાજકીય પક્ષોને આપ્યું છે, જેમાંથી 82 ટકા એટલે કે રૂ. 2,180.07 કરોડનું દાન ભાજપને આપ્યું છે. આ ટ્રસ્ટને જિંદલ સ્ટિલ એન્ડ પાવર, મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ., ભારતી એરટેલ, ઔરોબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ જેવી મોટી કંપનીઓ પાસેથી ભંડોળ મળ્યું હતું. બીજીબાજુ ટ્રસ્ટે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તેલુગુ દેશમ પાર્ટી અને અન્ય પક્ષોને પણ દાન આપ્યું હતું.
આ સિવાય પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટને વર્ષ 2024-25માં કુલ રૂ. 917 કરોડનું દાન મળ્યું હતું, જેમાંથી કુલ રૂ. 914.97 કરોડનું દાન ટ્રસ્ટે રાજકીય પક્ષોને કર્યું હતું અને તેમાંથી 80.82 ટકા દાન ભાજપને મળ્યું. આ ટ્રસ્ટના મુખ્ય દાતાઓમાં ટાટા જૂથની કંપનીઓ છે, જેમાં ટાટા સન્સ, ટાટા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ), ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને ટાટા પાવરનો સમાવેશ થાય છે.
વર્ષ 2023-24માં ભાજપને કુલ રૂ. 3,976.14 કરોડનું દાન મળ્યું હતું, જેમાંથી રૂ. 1,685.62 કરોડ અંદાજે 43 ટકા ચૂંટણી બોન્ડ મારફત મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે વર્ષ 2024માં ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય જાહેર કરીને ખતમ કરી દીધી હતી. હવે કંપનીઓ અને વ્યક્તિઓ ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, યુપીઆઇ અને બૅંક ટ્રાન્સફર મારફત રાજકીય પક્ષોને દાન આપી શકે છે, જેની માહિતી પક્ષોએ ચૂંટણી પંચને આપવી ફરજિયાત છે.
અન્ય ચૂંટણી ટ્રસ્ટોને મળેલા ભંડોળ અને પક્ષોને અપાયેલા દાન પર નજર કરીએ તો જનપ્રગતિ ઈલેક્ટોરલ ટ્રસ્ટને માત્ર કેઈસી ઇન્ટરનેશનલ લિ. તરફથી રૂ.1.02 કરોડનું દાન મળ્યું હતું, જેમાંથી 1 કરોડ રૂપિયા શિવસેના(યુબીટી)ને અપાયા હતા. હાર્મની ઈલેક્ટોરલ ટ્રસ્ટને રૂ. 35.65 કરોડનું દાન મળ્યું, જેમાંથી રૂ. 30.15 કરોડ ભાજપને અપાયા હતા. આ ટ્રસ્ટના મુખ્ય દાતાઓમાં ભારત ફોર્જ, સારલોહા ઍડ્વાન્સ્ડ મટીરિયલ્સ અને કલ્યાણી સ્ટીલનો સમાવેશ થાય છે.
વધુમાં જનકલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટને ફોરએવર બિઝનેસ સોલ્યુશન્સે રૂ. 19 લાખનું દાન આપ્યું, જે ભાજપ અને કોંગ્રેસને સમાન રીતે અપાયું. ન્યુ ડેમોક્રેટિક ઈલેક્ટોરલ ટ્રસ્ટને મહિન્દ્રા જૂથની કંપનીઓએ રૂ. 160 કરોડ આપ્યા, જેમાંથી 150 કરોડ તો એકલા ભાજપને જ અપાયા. ટ્રાયમ્ફ ઇન્ટરનેશનલ ટ્રસ્ટને રૂ.25 કરોડ મળ્યા, જેમાંથી 21 કરોડ ભાજપને અપાયા હતા. આ ટ્રસ્ટની સૌથી મોટી દાતા સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ હતી.
કઈ કંપની/વ્યક્તિએ ભાજપને કેટલું ફંડ આપ્યું?
- સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ: 100 કરોડ રૂપિયા
- રુંગટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ: 95 કરોડ રૂપિયા
- વેદાંત લિમિટેડ: 67 કરોડ રૂપિયા
- મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ: 65 કરોડ રૂપિયા
- ડિરાઇવ ઇન્વેસ્ટમેન્ટ્સ: 53 કરોડ રૂપિયા
- મોડર્ન રોડ મેકર્સ પ્રાઇવેટ લિમિટેડ: 52 કરોડ રૂપિયા
- લોટસ હોમટેક્સટાઇલ્સ લિમિટેડ: 51 કરોડ રૂપિયા
- સફળ ગોયલ રિયલ્ટી LLP: 45 કરોડ રૂપિયા
- ITC લિમિટેડ: 39 કરોડ રૂપિયા
- ગ્લોબલ આઇવી વેન્ચર્સ LLP: 35 કરોડ રૂપિયા
- ITC ઇન્ફોટેક ઇન્ડિયા લિમિટેડ: 33.5 કરોડ રૂપિયા
- હીરો એન્ટરપ્રાઇઝ પાર્ટનર વેન્ચર્સ: 30 કરોડ રૂપિયા
- મેનકાઇન્ડ ફાર્મા લિમિટેડ: 30 કરોડ રૂપિયા
- સુરેશ અમૃતલાલ કોટક: 30 કરોડ રૂપિયા
- હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ: 27 કરોડ રૂપિયા




