સહમતિથી લાંબા સમય સુધી સંબંધ બાંધ્યાં બાદ લગ્નનું વચન તોડવું રેપ નહીં- હાઈકોર્ટ

ઉત્તરાખંડ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે લાંબા ગાળાના સંમતિથી સંબંધ બાદ લગ્નનું વચન તોડવું એ બળાત્કાર ગણી શકાય નહીં. જેમાં કોર્ટે જણાવ્યું હતું કે, જ્યારે બે પુખ્ત વયના લોકો સંમતિથી સંબંધ બનાવે છે ત્યારે બળાત્કારના કેસ માટે શરૂઆતથી જ વચન ખોટું હતું તે સાબિત કરવું જરૂરી છે.
ઉત્તરાખંડ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, જ્યારે બે પુખ્ત વયના લોકો લાંબા ગાળાના સંમતિથી સંબંધમાં હોય ત્યારે લગ્નનું વચન પૂરું કરવામાં નિષ્ફળ રહેવું એ ભારતીય દંડ સંહિતાની કલમ 376 હેઠળ બળાત્કાર ગણી શકાય નહીં, સિવાય કે તે સાબિત થાય કે વચન શરૂઆતથી જ ખોટું હતું.
આ કેસમાં, મસૂરીની એક મહિલાએ સૂરજ બોરા નામના પુરુષ પર લગ્નના બહાને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો આરોપ લગાવ્યો હતો. બોરાએ 45 દિવસમાં લગ્ન કરવાનું વચન આપ્યું હતું પરંતુ બાદમાં ઇનકાર કરી દીધો. જે કેસની તપાસ બાદ પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી, જેને બોરાએ હાઈકોર્ટમાં પડકારી હતી.
બચાવ પક્ષે દલીલ કરી હતી કે, બંને પક્ષો પુખ્ત હતા અને લાંબા સમયથી સંમતિથી સંબંધ હતા. FIRમાં એવો કોઈ નક્કર પુરાવો નથી કે સંબંધની શરૂઆતમાં આરોપીના કપટી ઈરાદા હતા. તે માત્ર એક નિષ્ફળ સંબંધ હતો અને ફોજદારી કાર્યવાહી શરૂ કરવી એ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ કહેવાશે.
બીજી તરફ રાજ્ય સરકાર અને પીડિતાનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ અરજીનો વિરોધ કર્યો હતો. જેમાં તેમને દલીલ કરી હતી કે, પીડિતાની સંમતિ માત્ર લગ્નના વચન પર આધારિત હતી જે આરોપી પાછળથી પૂરી કરવામાં નિષ્ફળ ગયો હતો. તેમને વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતથી જ વચન ખોટું હતું કે નહીં તે માત્ર ટ્રાયલ દરમિયાન પુરાવાના આધારે નક્કી કરી શકાય છે. આથી કાર્યવાહી રદ કરવી જોઈએ નહીં.
આ અંગે જજ આશિષ નૈથાણીએ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, પુખ્ત મહિલા દ્વારા આપવામાં આવેલી સંમતિ માત્ર એટલા માટે અમાન્ય નથી બનતી કેમ કે સંબંધ લગ્નમાં પરિણમ્યો નથી. કલમ 376 હેઠળ ગુનો ગણવા માટે એ સાબિત કરવું જરૂરી છે કે લગ્નનું વચન માત્ર સંબંધ માટે સંમતિ મેળવવાનું એક સાધન હતું અને આરોપીનો લગ્ન કરવાનો કોઈ ઇરાદો નહોતો.
કોર્ટેને લાગ્યું કે, પક્ષકારો લાંબા ગાળાના સંબંધમાં હતા અને વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા જે પ્રારંભિક છેતરપિંડી કરતાં પરસ્પર સંમતિ વધુ દર્શાવે છે. આથી હાઇકોર્ટે નક્કી કર્યું કે, આધાર વગર ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવી એ આરોપીની પજવણી સમાન હશે. હાઇકોર્ટે દેહરાદૂન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ પેન્ડિંગ ફોજદારી કેસ અને 22 જુલાઈ 2023 ના રોજ સૂરજ બોરા સામેની ચાર્જશીટને સંપૂર્ણ રીતે રદ કરી દીધી હતી.




