CBSEએ ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે નવી પરીક્ષાની પેટર્ન બનાવી
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એ ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. સીબીએસઈએ ધો.10-12ના અભ્યાસક્રમમાં 15 ટકાની કપાત કરી છે. આ સાથે પરીક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવી પ્રક્રિયા મુજબ હવે ઇન્ટરનલ એસાઈન્મેન્ટ માટે 40 ટકા માર્ક્સ આપવામાં આવશે, જ્યારે ફાઇનલ પરીક્ષા માટે 60 ટકા માર્ક્સ અપાશે.
મળતા અહેવાલો મુજબ ઇન્દોરમાં પ્રિન્સિપાલ સમિટ યોજાઈ હતી, જેમાં સીબીએસઈના રિજનલ ઑફિસર વિકાસ કુમાર અગ્રવાલે અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્નમાં ફેરફાર થયો હોવાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, સીબીએસઈનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના બોજથી બચાવવાનો અને વિષયને ઊંડાણથી સમજવાની તક આપવાનો છે. બોર્ડે અભ્યાસક્રમમાં કરેલી કપાત વિકસિત શૈક્ષણિક માળખાને અનુરૂપ છે.
તેમણે કહ્યું કે, ‘વર્ષ 2025માં યોજાનારી સીબીએસઈ પરીક્ષાઓ માટેની પેટર્નમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તે મુજબ ધોરણ-10 અને ધોરણ-12માં ઇન્ટરનલ એસાઇનમેન્ટ માટે 40 ટકા માર્ક્સ અપાશે, જ્યારે બાકીના 60 ટકા માર્ક્સ ફાઇનલ પરીક્ષાના આધારે અપાશે.
તેમણે એમ પણ કહ્યું કે, ‘વર્ષ 2025માં યોજાનાર બોર્ડની પરીક્ષા એક જ વખત યોજવાનું આયોજન થઈ રહ્યું છે, જો કે તે પછી આગામી વર્ષથી બે ટર્મમાં પરીક્ષાઓ યોજવાની તૈયારી છે. આ ફેરફારને અંતિમરૂપ આપવામાં આવી રહ્યું છે અને લોજિસ્ટિક તૈયારીઓ ચાલી રહી છે.
સીબીએસઈ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12(Class-10 and Class-12)ની એક્ઝામ ડેટશીટ ટૂંક સમયમાં જાહેર કરી દેવાશે. જો કે બોર્ડે હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ગત વર્ષની પેટર્ન મુજબ એવી આશા છે કે, ડિસેમ્બરમાં જ તારીખો જાહેર કરી દેવામાં આવશે. ટાઇમટેબલ જાહેર થયા બાદ તેને સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ (Exam Date Sheet Download) કરી શકાશે.