NATIONAL

“Save Sparrows, Save Environment” ની થીમ સાથે ૨૦ માર્ચે “વિશ્વ ચકલી દિવસ”ની ઉજવણી

“તારો વૈભવ રંગમોલ સોનું, ને ચાકર ધાડું, મારે ફળિયે ચકલી બેસે, તે મારું રજવાડું”– શ્રી રમેશ પારેખ
૦૦૦૦૦૦૦
“ચકલીઓ ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”– ચકલી સંરક્ષણવાદી શ્રી મોહમ્મદ દિલાવર
૦૦૦૦૦૦૦૦
ચીં…..ચીં…..સ્વરથી વાતાવરણમાં ગુંજન કરતી ચકલી
૦૦૦૦૦૦
આલેખન: રિધ્ધિ ત્રિવેદી

ચકલી એટલે નાના બાળકોનું પ્રિય પક્ષી અને બાળપણની યાદોને તાજી કરતું પક્ષી. જો કે આજના સમયમાં એ જ ચકલી કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગઇ છે. વર્ષ ૨૦૨૬ની વિશ્વ ચકલી દિવસની થીમ “Save Sparrows, Save Environment” છે.

તારો વૈભવ રંગમોલ સોનું, ને ચાકર ધાડું, મારે ફળિયે ચકલી બેસે, તે મારું રજવાડું” કવિતાના રચિયતા શ્રી રમેશભાઈ પારેખ માનવ જીવનમાં ચકલીના મહત્વ વિશે સમજાવે છે. અને આ મહત્વને ખુબ જ ઊંડાણથી પોતાના જીવનમાં ઉતારનાર એટલે ચકલીઓના સંરક્ષણ માટે જાણીતા શ્રી મોહમ્મદ દિલાવર.

તા.૨૦ માર્ચના રોજ “વિશ્વ ચકલી દિવસ”ની ઉજવણી કરવાની શરૂઆત શ્રી મોહમ્મદ દિલાવરે કરી છે. જેઓ મહારાષ્ટ્ર રાજ્યના વતની અને વ્યાપારી પેઢી ધરાવતાં પરિવારમાંથી હોવા છતાં માનવજીવન માટે ચકલીના મહત્વને સમજીને ચકલીના સંરક્ષણ માટે તેઓએ પોતાનું જીવન ખપાવ્યું છે. શ્રી દિલાવરે વર્ષ ૨૦૦૫માં ઇકોલોજીમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા બાદ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે જોડાયા હતા. આ સમયગાળા દરમિયાન તેઓને ચકલી જે પંખીઓમાં નાનું સજીવ છે જે ઇકો સિસ્ટમમાં મહત્વનું સ્થાન ધરાવે છે. શ્રી દિલાવર વિશ્વ ચકલી દિવસ અંગે ચર્ચા કરતા જણાવે છે કે, જ્યાં માનવ વસવાટ છે પરંતુ જો ચકલી કે ચકલીનો માળો આસપાસ નથી તો ત્યાનું વાતાવરણ માનવજીવન માટે અયોગ્ય છે. માનવ અને ચકલી બન્ને ઇકો સિસ્ટમ માટે એકબીજા પર આધારિત છે. શ્રી દિલાવરે નેચર ફોરેવર સોસાયટીની સ્થાપના કરી છે. જેમાં ભારતભરના હજારો લોકો તેમની પહેલ ચકલી બચાવો અભિયાનમાં સહયોગી બને છે.

શ્રી દિલાવરે વધુમાં જણાવ્યું હતું કે, જયારે વ્યાપારી પેઢીને પોતાની કારકિર્દી બનાવવાના બદલે ચકલીના સંરક્ષણ માટે કાર્ય શરુ કર્યું ત્યારે પરિવારમાં મતભેદ થયો હતો. પરંતુ, ૨૦ વર્ષના લાંબા સમયની અથાગ મહેનતમાં ચકલીના મહત્વ અંગે ભારતભરમાં લોકો તેઓને જાણીતા થયાં અને તેમને સહયોગી બન્યા છે. જે તેઓ માટે સૌથી યાદગાર ક્ષણરૂપ છે. તેઓની આ સંસ્થા દ્વારા થયેલા અનેક કાર્યક્રમો બાદ આજે ભારતમાં સોથી વધુ સંસ્થાઓ ચકલીના સંરક્ષણ માટે કાર્યરત છે. ચકલીઓ વિવિધ જંતુઓ અને જીવાતોને ખાઈને જંતુઓની વસ્તીને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. સાથોસાથ ચકલીઓ પરાગનયન અને બીજ ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમની હાજરી જૈવવિવિધતાને વધારે છે, જે તેમને ગ્રામીણ અને શહેરી બંને ઇકોસિસ્ટમના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ બનાવે છે. શ્રી દિલાવરે જણાવ્યું હતું કે, તેઓની સંસ્થા ચકલીઓના માળા, ચકલીઓ માટે દાણા અને પાણી, કુંડાઓ તેમજ જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડવા મદદરૂપ થાય છે. આ ઉપરાંત, ચકલીના મહત્વ અંગે વિદ્યાર્થીઓ, યુવાનોને વિવિધ કેમ્પેઈન અને પ્રવૃત્તિઓના માધ્યમથી જાગૃત કરે છે.

ઉલ્લેખનીય છે કે, માનવ દ્વારા નિર્મિત ઘરોની આસપાસ રહેવું ચકલીઓને ખુબ જ પ્રિય છે. ગામડાંમાં ખેતર આસપાસ વિશાળ સંખ્યામાં ચકલીઓ જોવા મળે છે. ચકલી પર લખેલી કવિશ્રી રમેશ પારેખની પંક્તિઓ પરથી ઘરના ફળિયામાં ચકલીનું બેસવું એ રજવાડું હોવાનું સૂચવે છે કે, પર્યાવરણ માટે ચકલી જેવા નાના પક્ષીનું પણ મહત્વ છે. પર્યાવરણનું બેરોમીટર એટલે “ચકલી” કે જ્યાં સૌથી સુંદર વાતાવરણ હોય ત્યાં ચકલીઓ રહેવાનું વધુ પસંદ કરે છે.

ભારતમાં, ચકલી સહિયારા ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રતીક છે.  હિન્દીમાં “ગોરૈયા”, તમિલમાં “કુરુવી” અને ઉર્દૂમાં “ચિર્યા” જેવા વિવિધ નામોથી જાણીતી ચકલીઓ પેઢીઓથી દૈનિક જીવનનો એક ભાગ રહી છે. વિશ્વભરમાં ચકલીની ચાલીસથી વધુ પ્રજાતિ છે. જેમાં હાઉસ સ્પેરો, સ્પેનીશ સ્પેરો, સિંડ સ્પેરો, ડેડ સી સ્પેરો, ટ્રી સ્પેરો તેમજ વિવિધ દેશના વાતાવરણ પ્રમાણે જોવા મળતી સોમાલી, પિંકબેક, લાગો, શેલી, સોકોત્રા, ક્યુરી, કેપ, નોર્થન ગ્રે હેડેડ, સ્વાંસો, સ્વાહિલી, ડેઝર્ટ, સુડાન ગોલ્ડ, અરેબિયન ગોલ્ડ, ચેસ્ટનટ સહિતની પ્રજાતિઓ જોવા મળે છે. ચકલી તેના ખુશખુશાલ ગીતોથી વાતાવરણને સુમધુર કરી દે છે.

આ ઉપરાંત ધર્મગ્રંથોમાં પણ ચકલીનું મહત્વ દર્શાવ્યું છે. શીખોના ધર્મગુરુ નાનક સાહેબ ખેતરની રખેવાળી કરતા ત્યારે તેમના ખેતરની આસપાસના ખેડૂતો ખેતરમાં આવતા પક્ષીઓને ઉડાડતા હતા, જ્યારે ગુરુનાનક સાહેબ પક્ષીઓને ખેતરમાંથી દૂર કરવાને બદલે ‘‘ખાલો ચીડીયા ભર ભર પેટ…” કહીને નિમંત્રણ આપતા હતા.

આ ઉપરાંત “ચકલી બચાવો” અભિયાન થકી રાજ્યના અનેક જિલ્લાઓમાં ચકલીના માળાઓ, પાણી માટે કુંડાઓનું વિતરણ અને બાજરી અથવા કણકીના દાણાની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે, ચાલો આપણે સૌ આ ચકલી દિવસ નિમિત્તે ચકલી સંરક્ષણ માટે કટિબદ્ધ થઇએ…

Back to top button
error: Content is protected !!