NATIONAL

‘SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

દેશના 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એસઆઈઆર ચાલી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે મંગળવારે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં બીએલઓને ધમકાવવા અને એસઆઈઆરના કામોમાં અવરોધ ઊભા કરવાની ઘટનાઓને અસ્વિકાર્ય ગણાવી હતી અને ચૂંટણી પંચને કહ્યું હતું કે, આ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ. તેનો ઉકેલ નહીં આવે તો દેશમાં અરાજક્તા ફેલાઈ જશે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરની કામગીરી અને બીએલઓ દ્વારા આત્મહત્યા સંબંધિત કેસની સુનાવણી કરી હતી. સનાતની સંસદ સંગઠને દાખલ કરેલી અરજીમાં એસઆઈઆર પ્રક્રિયા પછી પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી પ્રકાશિત ના થાય ત્યાં સુધી પોલીસને ચૂંટણી પંચને અધિન કામ કરવાનો નિર્દેશ આપવા માગ કરાઈ હતી. સુપ્રીમને જણાવાયું કે, પશ્ચિમ બંગાળમાં બીએલઓ વિરુદ્ધ હિંસા વધી રહી છે. સ્થાનિક ગુંડાઓ તથા રાજકીય કાર્યકરો તરફથી તેમને સતત ધમકી આવામાં આવે છે, તેથી ત્યાં કેન્દ્રીય દળો તૈનાત કરવા જોઈએ. સુપ્રીમે આ મુદ્દે મમતા સરકારને નોટિસ પાઠવી હતી.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મતદાર યાદીમાં એસઆઈઆર કામમાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા સહયોગ ના કરવાની બાબતને ગંભીરતાથી લેવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે, રાજ્ય સરકારો સહયોગ ના કરતી હોય અને બીએલઓને ધમકાવતી હોય તો આવા કિસ્સા અમારા ધ્યાનમાં લાવો. અમે સરકારોને આદેશ આપીશું.

કેટલીક રાજ્ય સરકારો દ્વારા એસઆઈઆરમાં સહયોગ નહીં કરવા અંગે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી પંચને કહ્યું કે, આ સ્થિતિનો ઉકેલ લાવો નહીં તો અરાજક્તા ફેલાઈ જશે. સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, સ્થિતિ બગડે તો પોલીસને પ્રતિનિયુક્તી પર તૈનાત કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. ચૂંટણી પંચે કહ્યું કે, તેની પાસે એસઆઈઆરના કામમાં લાગેલા બીએલઓ અને અન્ય અધિકારીઓને ધમકાવવાના કેસોનો ઉકેલ લાવવા માટે બધી જ બંધારણીય શક્તિઓ છે.

બેન્ચે ચૂંટણી પંચ તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીને કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં તણાવના કારણે બીએલઓ દ્વારા આત્મહત્યા કરવાનો કોઈ સવાલ જ ઊઠતો નથી, કારણ કે તેમને ૩૦-૩૫ મતદારોવાળા છ-સાત ઘરોની જ ગણતરીનું કામ કરવાનું હોય છે. ન્યાયાધીશ બાગચીએ કહ્યું કે, આ બેઠા-બેઠા કરવાનું કામ નથી અને બીએલઓએ દરેક ઘરે-ઘરે જઈને ગણના ફોર્મ ભરવાનું હોય છે અને પછી તેને અપલોડ કરવાનું હોય છે. ન્યાયાધીશ બાગચીએ કહ્યું કે, આ જેટલું દેખાય છે તેટલું સરળ કામ નથી. અમે કોઈ રાજકીય નેરેટિવમાં નથી પડી રહ્યા. અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે જમીની સ્તર પર એસઆઈઆરનું કામ કોઈપણ અવરોધ અને ડર વિના પૂરું થાય.

Back to top button
error: Content is protected !!