ગુજરાતના હવામાન વિભાગની આગાહી ભારે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ પડશે

ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ કમોસમી વરસાદથી અનેક જિલ્લાઓમાં પાણી પાણી થવાનું શરુ થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી આગામી સાત દિવસ સુધી હજુ વરસાદની આગાહી કરવામાં આવતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી 26 તારીખ સુધી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આજે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર ચાર જિલ્લાઓ ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે 60થી 87 કિ.મી. પ્રતિકલાકની ઝડપે વાવાઝોડા સાથે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતના હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયાકાંઠાના ચાર મહત્ત્વના જિલ્લા પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં 62થી લઈને 87 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે વીજળી પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી અમરેલીના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે.
હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં નેઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે. જેની અસર ગુજરાત પર પણ જોવા મળશે. ગુજરાત પર હાલ એકસાથે બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે. બુધવારે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
- 21 મેઃ રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી
- 22 મેઃ છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
- 23 મેઃ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભરુચ નર્મદા, સુરત તાપી, ડાંગમાં છૂટાછવાયો વરસાદ અને અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દીવ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.
- 24 મેઃ રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી
- 25 મેઃ પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરત, તાપીમાં છૂટાછવાયો વરસાદ અને જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવ, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
- 26 મેઃ જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી ભારે વરસાદની આગાહી




