NATIONAL

બંગાળની ખાડીમાં વિકસિત થઈ રહેલા ચક્રવાત ‘મોનથા’એ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું

બંગાળની ખાડીમાં વિકસિત થઈ રહેલા ચક્રવાત ‘મોનથા’એ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. IMD મુજબ, આ ચક્રવાતી વાવાઝોડું (હાલની ગતિ 90-100 kmph) આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાન બની શકે છે, જે 28 ઑક્ટોબરની સાંજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. તેની અસરથી ચેન્નાઈમાં હળવા ઝાપટાં શરુ થઈ ગયા છે, જે ધીમે ધીમે તીવ્ર બની શકે છે. IMD અનુસાર, મોનથા ચક્રવાતી તોફાનને કારણે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં 27થી 30 ઑક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ચક્રવાતની તીવ્રતા વધવાની સંભાવનાને કારણે ભારતીય સેના હાઇ ઍલર્ટ પર છે.

28-29 ઑક્ટોબરના રોજ ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હોવાથી IMDએ રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે વૃક્ષો ઉખડી જવાનો અને પૂરનો ખતરો છે, તેથી માછીમારોને 29 ઑક્ટોબર સુધી સમુદ્રમાં ન જવાની સલાહ અપાઈ છે. આંધ્રના 9 જિલ્લામાં રેડ ઍલર્ટ છે, જ્યારે તમિલનાડુ અને ઓડિશાના બાકીના વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ લાગુ કરાયું છે. પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.

રાજ્યોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. આંધ્ર પ્રદેશમાં કાકીનાડા અને કોનાસિમાના 34 ગામોમાંથી 6000થી વધુ લોકોને (જેમાં 428 ગર્ભવતી મહિલાઓ સહિત) સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે અને વેસ્ટ ગોદાવરીમાં 27-28 ઑક્ટોબરના રોજ શાળાઓ બંધ રહેશે. ઓડિશાના મલકાનગિરિ, કોરાપુટ સહિત 8 દક્ષિણી જિલ્લાઓને રેડ ઝોન જાહેર કરાયા છે અને ત્યાં વાવાઝોડા આશ્રયસ્થાનો બનાવાયા છે. NDRF અને SDRF ટીમો તૈનાત છે, વિભાગના લોકોની રજાઓ રદ થઈ છે અને જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

બંગાળની ખાડી ઉપર બનેલું હવાનું હળવું દબાણનું ક્ષેત્ર મજબૂત બન્યું છે અને ધીમે ધીમે પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. IMD અનુસાર, આ ચક્રવાતી તોફાન 28 ઑક્ટોબરની સવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ જવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે 28 ઑક્ટોબરની રાત્રે 100 કિમી/કલાકની ઝડપે પવન સાથે આ ગંભીર ચક્રવાત આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે. મોનથા વાવાઝોડાના કારણે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં 27થી 30 ઑક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને ભારતીય સેના હાઇ ઍલર્ટ પર છે.

Back to top button
error: Content is protected !!