બે દિવસ બાદ દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઈશ:કેજરીવાલ
રાજીનામા પાછળનું રાજકીય ગણિત, ભાજપ સહિતના પક્ષો પણ ચકરાવે ચઢી ગયા!

દિલ્હી લિકર પોલિસી કેસમાં 177 દિવસ બાદ જેલથી છૂટ્યા પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પાર્ટીના કાર્યાલયે પહોંચ્યા હતા અને આપના કાર્યકરોમાં ફરી જોશ પૂરવાનું કામ કરતાં સભાને સંબોધી હતી. આ દરમિયાન તેઓ આક્રમક મૂડમાં દેખાયા અને સીધા જ ભાજપ પર આક્રમક પ્રહાર કર્યા. આ દરમિયાન તેમણે મોટી જાહેરાત કરી કે, ‘હું બે દિવસ બાદ સીએમની ખુરશી પરથી રાજીનામું આપી દઇશ.’
અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધતા કરતાં કહ્યું કે, ‘હું બે દિવસ પછી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. અને હું CMની ખુરશી પર ત્યાં સુધી નહીં બેસું, જ્યાં સુધી જનતા પોતાનો ચૂકાદો નહીં આપે કે કેજરીવાલ પ્રામાણિક છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો લાદી છે, છેલ્લા 10 વર્ષમાં તેઓએ શરતો લાદવામાં કોઈ કસર છોડી નથી. કેન્દ્ર સરકારે કાયદો બનાવીને મારું કામ રોકવાનો પ્રયાસ કર્યો છે.’
કેજરીવાલે કહ્યું કે ‘અમારા નાનકડા પક્ષે દેશનું રાજકારણ બદલી નાખ્યું છે. જેલમાં વિચારવાનો સમય મળ્યો. મેં જેલમાંથી એક જ પત્ર લખ્યો હતો એ પણ ઉપરાજ્યપાલને. એ પત્ર મને પાછો મોકલી દેવાયો અને ચેતવણી આપવામાં આવી કે બીજી વખત પત્ર લખ્યો તો પરિવારને પણ મળવા નહીં દઈએ. અમારા પક્ષને ખતમ કરવા માટે ભાજપે કાવતરું ઘડ્યું હતું જે નિષ્ફળ રહ્યું. ઊલટાનો હું તો વધુ જુસ્સા સાથે જેલમાંથી બહાર આવ્યો છું.’
કેજરીવાલના અચાનક રાજીનામાની જાહેરાત બાદ એવા સવાલ ઉભા થઈ રહ્યા છે કે, કેજરીવાલના રાજીનામાનો દાવ પાછળ શું રાજકીય ગણિત હોઈ શકે અને શું દિલ્હીમાં જલદી ચૂંટણી યોજાઇ શકે છે?
કેજરીવાલે માંગ કરી છે કે મહારાષ્ટ્રની સાથે દિલ્હીમાં પણ ચૂંટણી યોજાય. કેજરીવાલે ફેબ્રુઆરીની જગ્યાએ નવેમ્બરમાં જ ચૂંટણીની માંગ કરી છે. જોકે, તેમને વિધાનસભા ભંગ કરવાની જાહેરાત કરી નથી. કેજરીવાલે વિધાયક દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીને ચૂંટવામાં આવશે. નિષ્ણાતોનું માનવું છે, કે જો વિધાનસભાને સમય પહેલા ભંગ કરવામાં નથી આવતી અને સરકાર ચાલી રહી છે તો ચૂંટણી પંચ પાસે જલદી ચૂંટણી કરાવવાનો વિકલ્પ નથી.જો કેજરીવાલ જલદી ચૂંટણી ઇચ્છે છે તો તેમને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરવી જોઇએ.


