વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું દિલ્હી !!!
નવી દિલ્હી : દિવાળી બાદ દેશના અનેક મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે સ્થિતિ કફોડી બની છે. દેશની રાજધાની દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૫૦૦ને પાર જતો રહ્યો હતો. દિલ્હી ઉપરાંત મુંબઇ, કોલકાતા, લખનઉ વગેરે મોટા શહેરોમાં પણ દિવાળી પછી પ્રદૂષણ વધ્યું હતું. જેને કારણે વૃદ્ધો અને શ્વાસની બીમારી હોય તેમણે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ સાથે જ દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું હતું.
રાત્રે દિવાળીના ફટાકડા ફોડીને આરામ ફરમાવી રહેલા દિલ્હીના લોકો જ્યારે સવારે ઉઠયા ત્યારે ઝેરી હવાથી ઘેરાઇ ગયા હતા. દિલ્હીમાં મંગળવાર સુધીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૫૦૦ને પાર પહોંચી ગયું હતું. ખાસ કરીને દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં સૌથી પ્રદૂષિત વાતાવરણ નોંધાયું હતું. જ્યારે બાકીના તમામ વિસ્તારોમાં એક્યૂઆઇ ઓછામાં ઓછુ ૩૦૦ નોંધાયું હતું જે જોખમકારક માનવામાં આવે છે. ડબલ્યુએચઓએ નક્કી કરેલા એર ક્વોલિટી ઇન્ડેક્સથી પંદરગણી વધુ પ્રદૂષિત હવા દિલ્હીમાં નોંધાઇ હતી. જેને કારણે દિલ્હી વિશ્વમાં સૌથી પ્રદૂષિત શહેર બન્યું હતું.
નોઇડામાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ ૩૫૦ને પાર પહોંચી ગયો હતો. મુંબઇમાં ૧૦ ઓક્ટોબર બાદ સૌથી પ્રદૂષિત હવા નોંધાઇ હતી અને એર ક્વોલિટી ઇન્ડેક્સ ૩૭૫ને પાર જતો રહ્યો હતો. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં એક્યૂઆઇ ૩૭૫ નોંધાયો હતો, કોલાબાની હવા પણ ૩૪૬ સાથે સૌથી પ્રદૂષિત રહી છે. દિલ્હી નજીકના રાજ્યો હરિયાણા અને પંજાબમાં પણ દિવાળી પછી પ્રદૂષિત હવા ફેલાઇ હતી, હરિયાણાના બહાદુરગઢમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૩૫૮એ પહોંચ્યો હતો. બાકી તમામ મોટા વિસ્તારોમાં પણ આંકડો ૩૦૦ને પાર રહ્યો હતો.
પંજાબના અમૃતસરમાં આ આંકડો ૨૧૨, લુધિયાણામાં ૨૬૮ રહ્યો હતો. બંગાળના હાવડામાં પણ એક્યૂઆઇ ૩૬૪ નોંધાયો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ગ્રીન ફટાકડા ફોડવાની છૂટ આપી હતી, જોકે લોકોએ ગ્રીન ફટાકડાની સાથે અન્ય ઝેરી ફટાકડા પણ ફોડયા હોવાના અહેવાલો છે. જેને કારણે પણ પ્રદૂષણ વધ્યું હતું. સુપ્રીમ કોર્ટે એક ચોક્કસ સમય મર્યાદા સુધી જ ફટાકડા ફોડવાની છૂટ આપી હતી, આ આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.




