NATIONAL

યુદ્ધના કારણે પેટ્રોલ, ડીઝલ, ગેસ ન મળવાના ડરથી લોકોએ સંગ્રહખોરી શરૂ કરી દીધી, દેશોએ નિયમો બદલ્યા

ઈઝરાયલના હુમલાના કારણે ઈરાનની સ્થિતિ બદતર થઈ ગઈ છે, તો ઈરાન ઈઝરાયલ ઉપરાંત પડોશી દેશો પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કરી રહ્યું હોવાના કારણે નાગરિકો પોતાની સુરક્ષા માટે દોડધામ કરી રહ્યા છે. આ યુદ્ધના કારણે અનેક લોકોના માથે મોતનું જોખમ મંડરાઈ રહ્યું છે. આ ઉપરાંત યુદ્ધના કારણે અનેક દેશો ઈંધણ સંકટમાં પણ ફસાઈ ગયા છે. વર્તમાન સંકટ એવું છે કે, પેટ્રોલ, ડીઝલ, ગેસ ન મળવાના ડરના કારણે લોકોએ સંગ્રહખોરી શરૂ કરી દીધી છે. ક્યાંક પેટ્રોલ પંપો પર લાઇનો લાગી હોવાના અહેવાલો સામે આવ્યા છે, તો જરૂર ન હોવા છતાં ગેસ સિલિન્ડરનું બુકિંગ પણ વધી ગયું છે, ત્યારે આ સંકટનો સામનો કરી રહેલી સરકારોએ ઈંધણ બચાવવા માટે નવા-નવા નિયમો ઘડી કાઢ્યા છે. કેટલાક દેશોની શાળાઓમાં રજાઓ જાહેર કરવાની સાથે કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનો આદેશ આપ્યો છે, તો ક્યાંક મંત્રીઓ અને અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

વાસ્તવમાં અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોત થયા બાદ ઈરાન આક્રમક બની ગયું છે. ઈરાન ઈઝાયેલ સહિત પડોશી દેશો પર હુમલાઓ કરી રહ્યું છે. એટલું જ નહીં તેણે વિશ્વ માટે અતિમહત્ત્વનો વેપાર માર્ગ હોર્મુઝ જળમાર્ગના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ કારણે કેટલાક દેશોની ક્રૂડ ઓઇલ સહિત અનેક આયાત-નિકાસો અટકી પડી છે. યુદ્ધ શરૂ થયા બાદ ઓઇલ-ગેસની કિંમતમાં પણ ધરખમ વધારો થયો છે. હવે આ તમામ અસરોને પહોંચી વળવા માટે ભારત સહિત અનેક દેશોએ ઊર્જા બચાવવા અને આર્થિક અસર ઘટાડવાના અનેક પગલાઓ શરૂ કરી દીધા છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, એશિયાઈ દેશોમાં જેટલી ઓઇલની જરૂરીયાત છે, તેમાંથી 60 ટકા મધ્ય-પૂર્વમાંથી આયાત થાય છે. જોકે યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે, જેમાં આયાત-નિકાસને મોટી અસર થઈ છે અને આ જ કારણે ઓઇલ અને ગેસની કિંમતોમાં વધારો થયો છે.

ઈંધણ સંકટથી બચાવ માટે ભારતે પણ વ્યૂહાત્મક નિર્ણયો લેવાના શરૂ કરી દીધા છે. ભારતે સંગ્રહ કરેલ ઓઇલનો ઉપયોગ કરવાનો અને રશિયા પાસેથી ઓઇલની આયાત વધારવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત સ્થાનિક રિફાઇનરીઓને LPGનું ઉત્પાદન વધારવાનો પણ નિર્દેશ આપી દીધા છે. કેન્દ્ર સરકારે ઓઇલની જમાખોરી અને કાળાબજારી કરનારાઓ પર દેખરેખ વધારી દીધી છે અને વૈકલ્પિક રસ્તો શોધવાની વિચારણાઓ પણ શરૂ કરી દીધી છે. છૂટક ભાવમાં વધારો ન થાય તે પર પણ ધ્યાન અપાઈ રહ્યું છે. LPG કટોકટીના કારણે સામાન્ય પ્રજા સંકટમાં ન મૂકાય તેનો પણ સરકારે વિચાર કર્યો છે. આ માટે સરકારે ઉદ્યોગોનો મોકલાતા LPG પર કામ મૂક્યો છે, તો રસોઈ ગેસ માટે ઉપયોગ લેવાતા સિલિન્ડરના સમયગાળામાં પણ ફેરફાર કર્યો છે. સરકારે તમામ રાજ્યોને એલપીજીની કાળાબજારી રોકવા અને ઍલર્ટ રહેવા તેમજ મોનિટરિંગ વધારવાનો નિર્દેશ આપ્યો છે.

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ઈરાન યુદ્ધના કારણે બાંગ્લાદેશ પણ ગંભીર ઈંધણ સંકટનો સામનો કરી રહ્યું છે. બાંગ્લાદેશ પોતાની કુલ ઊર્જા જરૂરીયાતમાં 95 ટકા ઊર્જા આયાત કરે છે. હવે આ આયાત અટકી પડતાં સરકારે ઈંધણ પુરવઠાને મર્યાદિત કરી દીધો છે, જેના કારણે નાગરિકો પેટ્રોલ ખૂટી જવાના ડરથી પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો લગાવી રહ્યા છે. ઊર્જા બચાવવા માટે અનેક યુનિવર્સિટી પણ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવી છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે બાંગ્લાદેશની વહારે ભારત આવ્યું છે અને ભારતે નેબરહુડ ફર્સ્ટ નીતિ હેઠળ પાઇપલાઇન દ્વારા બાંગ્લાદેશને 5000 ટન ડીઝલની પ્રથમ ખેપ પહોંચાડી છે.

આર્થિક સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન હવે ઈંધણ સંકટનો સામનો કરી રહ્યું છે. ઈંધણ બચાવવા માટે પાક. સરકારે અનેક નિયમો જાહેર કર્યા છે. સરકારે સરકારી વાહનોમાં ઉપયોગ થતાં ઈંધણ પર 50 ટકાનો કાપ મૂક્યો છે. આ ઉપરાંત ઓફિસોમાં અઠવાડિયામાં ચાર દિવસ કામકામ કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં સરકારે 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપ્યો છે. શાળાઓ બે અઠવાડિયા સુધી બંધ કરવામાં આવી છે. સરકારી સ્તરે યોજાના બિનજરૂરી કાર્યક્રમ યોજવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે. પાકિસ્તાન સરકારે મંત્રીઓ, સલાહકારો અને સરકારી અધિકારીઓના વિદેશ પ્રવાસ પણ બંધ કરી દીધા છે. સરકારી ઈફ્તાર પાર્ટી અને કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

ચીને ઈંધણ સંકટ ટાળવા માટે મોટી રણનીતિ અપનાવી છે. ચીન પાસે 100 દિવસથી વધુ સુધી ચાલે તેટલું ઈંધણ છે અને હવે તેણે આ સંગ્રહ કરેલા ઓઇલનો ઉપયોગ શરૂ કરી દીધો છે. આ ઉપરાંત ચીને ક્રૂડ ઓઇલની ખરીદી વધારી છે અને કામચલાઉ ધોરણે નિકાસ બંધ કરી દીધી છે. ચીને પાંચ વર્ષમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને નવા ઊર્જા પ્રોજેક્ટ પર રોકાણ કરવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે.

દક્ષિણ કોરિયા પણ ઈંધણ કટોકટીનો સામનો કરી રહ્યું છે અને તેણે 30 વર્ષમાં પહેલીવાર ઈંધણ કિંમતોની મર્યાદા નક્કી કરી છે. દક્ષિણ કોરિયન સરકારે હોર્મુઝ સિવાયના અન્ય માર્ગેથી ઈંધણનો પુરવઠો લાવવાના વિકલ્પો ઊભા કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.

આ તમામ સ્થિતિને ધ્યાને લઈને સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપીછે કે, જો ઊર્જા પુરવઠાનું સંકટ લાંબો સમય ચાલશે તો ખાદ્ય પદાર્થોની કિંમતમાં વધારો થઈ શકે છે. મોંઘવારી વધવાના કારણે અને સંકટ લાંબો સમય ચાલવાના કારણે એશિયાની નબળી અર્થવ્યવસ્થાઓ પર ગંભીર અસર પડશે.

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી અનેક દેશો મોટા સંકટમાં મૂકાઈ ગયા છે. વિશ્વમાં આયાત-નિકાસ થતાં લગભગ 31 ટકા ક્રૂડ ઓઇલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) હોર્મુઝ જળમાર્ગમાંથી જ પસાર થાય છે. જોકે યુદ્ધના કારણે આ જળમાર્ગ બંધ થઈ જતા વૈશ્વિક ઊર્જા વેપાર સંપૂર્ણ અટકી પડ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો યુદ્ધ લાંબુ ચાલશે તો ક્રૂડ ઓઇલની કિંમતો પ્રતિ બેરલ 120થી 150 ડૉલર પર પહોંચી શકે છે. સંકટ એવું ઊભું થયું છે કે, દુનિયાભરના શેર માર્કેટ ક્રેશ થયા છે અને કિંમતો સતત વધી રહી છે.

Back to top button
error: Content is protected !!