ઈડી કોઈ ગુનેગારની જેમ કામ ન કરી શકે અને તેણે કાયદાના દાયરામાં રહેવું પડશે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી કરતી વખતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ‘ઈડી કોઈ ગુનેગારની જેમ કામ ન કરી શકે અને તેણે કાયદાના દાયરામાં રહેવું પડશે.’ ઈડી દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસોમાં સજાનો દર 10 ટકાથી ઓછો હોવા અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે માત્ર લોકોની સ્વતંત્રતા વિશે જ નહીં, EDની છબી વિશે પણ ચિંતિત છે.
લાઇવ લૉ વેબસાઇટના રિપોર્ટ મુજબ, ન્યાયાધીશ સૂર્યકાંત, ઉજ્જવલ ભૂઈયા અને એ. કે. સિંહની બેંચે વિજય મદનલાલ ચૌધરીના કેસમાં અપાયેલ ચુકાદા વિરુદ્ધ દાખલ કરાયેલી સમીક્ષા અરજી પર સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુએ કહ્યું કે, આરોપીને ECIR(એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ)ની નકલ આપવાની કોઈ જવાબદારી નથી. તપાસ કરનાર અસમર્થ છે, કારણ કે મુખ્ય આરોપી કેમેન દ્વીપ જેવા સ્થળે ભાગી જાય છે, જેના કારણે તપાસમાં ફરી સમસ્યા ઊભી થાય છે.
એસ. વી. રાજૂએ કોર્ટમાં દલીલ કરી કે, ‘ગુનેગાર પાસે બહુ જ સાધન છે, જ્યારે બિચારા તપાસ કરનારા અધિકારી પાસે હોતા નથી.’ જવાબમાં ન્યાયાધીશ ભુઈયાએ કહ્યું કે, ‘તમે (ઈડી) કોઈ ગુનેગારની જેવો વ્યવહાર ન કરો, તમારે કાયદાના દાયરામાં રહીને કામ કરવું પડશે. મેં એક સુનાવણી વખતે જોયું કે, તમે લગભગ 500 ઈસીઆઈઆર રજિસ્ટર કરી છે, જેમાં સજાનો દર 10 ટકાથી પણ ઓછો છે. તેથી અમે કહી રહ્યા છીએ કે, તમે સારી રીતે તપાસ કરો અને પુરાવાઓને યોગ્ય બનાવો. અમે સ્વતંત્રતાની વાત કરી રહ્યા છીએ, અમને ઈડીની છબીની પણ ચિંતા છે. પાંચ-છ વર્ષ સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ જો લોકો મુક્ત થઈ જાય તો, તેની ભરપાઈ કોણ કરશે?’
સુપ્રીમ કોર્ટે અગાઉ પણ ઈડીની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. ગત મહિને મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈએ કહ્યું હતું કે, ઈડી તમામ હદો પાક કરી રહી છે. આ મુદ્દે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટેને વિનંતી કરી છે કે, તેમણે એવી કોઈ ટિપ્પણી ન કરવી જોઈએ જે કેન્દ્રીય એજન્સી વિરુદ્ધ વાર્તા રચવાના પહેલાથી જ ચાલી રહેલા પ્રયાસોમાં વધારો કરે. સીજેઆઈએ એટોર્ની જનરલ વેંકટરમણીને સંબોધીને ઈડી માટે કહ્યું કે, ‘તમારા અધિકારી તમામ હદો પાર કરી રહ્યા છે. અમે જોયું કે, ઈડી અનેક કેસોમાં પોતાની સીમા પાર કરી રહ્યું છે.’



