બિહારમાં ચૂંટણી પંચ હટાવાયેલા 3.66 લાખ મતદારોની વિગતો આપે : સુપ્રીમ
નવી દિલ્હી : બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન કરાયું હતું, આ સમગ્ર પ્રક્રિયાના અંતે ચૂંટણી પંચે આશરે ૩.૬૬ લાખ મતદારોની યાદીમાંથી બાદબાકી કરી નાખી છે. હવે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ તમામ બાદબાકી કરાયેલા મતદારોની વિગતો સોંપવાનો આદેશ કર્યો છે. સુપ્રીમમાં અરજદારોનો દાવો હતો કે લાખો લોકોના નામ તેમને જાણ કર્યા વગર જ કમી કરી નખાયા છે.
બિહારમાં મતદારોનું વેરિફિકેશન કરવામાં આવ્યું જેનો ડ્રાફ્ટ બહાર પડાયો હતો, આશરે ૩.૬૬ લાખ જેટલા મતદારોની આ યાદીમાંથી બાદબાકી કરાઇ છે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે આ તમામ મતદારોને પોતાનો પક્ષ રજુ કરવાની તક આપવામાં આવી હતી. જોકે આ એવા લોકો છે કે જેમણે કોઇ જ જવાબ નથી આપ્યો. મંગળવારે સુનાવણી દરમિયાન અરજદારોના વકીલ અભિષેક સિંઘવીએ કહ્યું હતું કે લાખો મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ કરી નાખવામાં આવ્યા. આ મતદારોને કોઇ જ પ્રકારની જાણકારી આપવામાં નથી આવી. ૩.૬૬ લાખ લોકોના નામ નોટિસ વગર જ હટાવી દેવાયા. કોઇને પણ કારણ જણાવવામાં નથી આવ્યું. અપીલની જોગવાઇ છે પરંતુ લોકોને જાણકારી જ નથી કે તેમના નામ મતદાર યાદીમાંથી કમી કરી નખાયા છે તો પછી અપીલનો કોઇ સવાલ જ પેદા નથી થતો.
એડીઆરના વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે અત્યાર સુધી ૪૭ લાખ મતદારોના નામ હટાવી દેવાયા છે, ૬૫ લાખ મતદારોની જાણકારી આદેશ બાદ ચૂંટણી પંચે આપી, જ્યારે હકીકતમાં તો જેમના નામ કમી કરાઇ રહ્યા છે તેમની વિગતો વેબસાઇટ પર જાહેર થવી જોઇએ. જ્યારે ચૂંટણી પંચના વકીલ રાકેશ દ્વિવેદીએ દાવો કર્યો હતો કે જેમના નામ હટાવાયા તેમને અગાઉ સૂચના અપાઇ હતી. બાદમાં સુપ્રીમના ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે દરેક વ્યક્તિને નામ કમી થયા બાદ અપીલનો અધિકાર છે. ડ્રાફ્ટ અને અંતિમ યાદીની સરખામણી કરીને ગુરૂવાર સુધીમાં રિપોર્ટ આપવામાં આવે.