કોરોના મહામારી બાદ ભારત સામે એક વધુ મોટું અને ઘાતક આરોગ્ય સંકટ તોળાઈ રહ્યું છે. : નિષ્ણાતોની ચેતવણી

લગભગ પાંચ વર્ષ પહેલાં કોરોના મહામારીએ મચાવેલી તબાહી બાદ હવે ભારત સામે એક વધુ મોટું અને ઘાતક આરોગ્ય સંકટ તોળાઈ રહ્યું છે. યુકે સ્થિત ભારતીય મૂળના નિષ્ણાત ડોક્ટરોએ ચેતવણી આપી છે કે વાયુ પ્રદૂષણ એ ભારતની વર્તમાન સૌથી મોટી હેલ્થ ઇમરજન્સી છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો શ્વસનતંત્ર અને હૃદય રોગની આ કટોકટી દેશની આરોગ્ય વ્યવસ્થાને પંગુ બનાવી શકે છે.
લંડન અને લિવરપૂલમાં પ્રેક્ટિસ કરતા વરિષ્ઠ તબીબોના જણાવ્યા અનુસાર, ભારતમાં ખાસ કરીને ઉત્તર ભારતના શહેરોમાં શ્વસન સંબંધી બીમારીઓ રોગચાળાની જેમ વકરી રહી છે. ડિસેમ્બર મહિનામાં દિલ્હીની હોસ્પિટલોમાં શ્વાસની સમસ્યા ધરાવતા દર્દીઓમાં 20થી 30 ટકાનો વધારો નોંધાયો છે.
ચોંકાવનારી બાબત એ છે કે જે લોકોને અગાઉ ક્યારેય શ્વાસની તકલીફ નહોતી, તેવા સ્વસ્થ લોકો પણ હવે ફેફસાના ગંભીર રોગોનો શિકાર બની રહ્યા છે.
લંડનની સેન્ટ જ્યોર્જ યુનિવર્સિટી હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ રાજય નારાયણના મતે, હૃદય રોગના વધતા કેસો પાછળ માત્ર ખોરાક કે સ્થૂળતા જવાબદાર નથી. કાર, ફેક્ટરીઓ અને વિમાનોમાંથી નીકળતું ઝેરી ધુમાડું સીધું લોહીમાં ભળીને હૃદયની ધમનીઓને નુકસાન પહોંચાડે છે. જો આ સમસ્યાનો સમયસર ઉકેલ નહીં આવે, તો તે ભારત પર મોટો આર્થિક બોજ પણ લાવશે.
ભારતની COVID-19 સલાહકાર સમિતિના પૂર્વ સભ્ય મનીષ ગૌતમે જણાવ્યું કે, ‘કડવું સત્ય એ છે કે ઉત્તર ભારતમાં લાખો લોકો અત્યારે જ પીડાઈ રહ્યા છે. પ્રદૂષણ રોકવા માટે લેવાયેલા તાજેતરના પગલાં સમુદ્રમાં ટીપા સમાન છે. ભારતને હવે ટીબી (TB) ના નિયંત્રણ માટે જેવી ઝુંબેશ ચલાવી હતી, તેવી જ તાકીદની અને મોટા પાયે કાર્યવાહી શ્વસન રોગો માટે કરવાની જરૂર છે.


