Gondal: ગોંડલ ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો : ૧૬ સ્વ સહાય જૂથની બહેનોને રૂ. ૨૪.૫૦ લાખની લોન મંજુર કરાઇ

તા.૨/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gonda: ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ (એન.આર.એલ.એમ.) યોજના અંતર્ગત સ્વ સહાય જૂથની બહેનો આજીવિકા પ્રાપ્ત કરી શકે તે માટે સરકારશ્રી દ્વારા માઈક્રો ફાયનાન્સ સ્કીમ હેઠળ લોન આપવામાં આવે છે. જે અન્વયે
આજરોજ ગોંડલ તાલુકા પંચાયત કચેરી ખાતે એ.ટી.ડી.ઓ શ્રી મેહુલભાઈ ભરડવાની અધ્યક્ષતામાં વિવિધ બેંકોના સહયોગથી ક્રેડિટ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૬ જેટલા સ્વ સહાય જૂથની બહેનોને રૂ. ૨૪.૫૦ લાખની ધિરાણ રૂપે લોન મંજુર કરવામાં આવી હતી.
આ અંગે જિલ્લા આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર શ્રી વિરેન્દ્રભાઈ અગ્રવાતે માહિતી આપતા જણાવ્યું હતું કે, આયોજિત કેમ્પમાં આર.ડી.સી. બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની બેંક દ્વારા પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા ૧૬ જેટલા ગ્રુપને લોન સહાય આપવામાં આવી છે. જયારે ૪ બેન્કમાં સખીની નિમણુંક કરવામાં આવી છે. યોજના હેઠળ ૩૦ જેટલી બહેનોના વીમો લેવામાં આવ્યા છે. કેશ ક્રેડિટ પ્રોગ્રામમાં સારી કામગીરી કરવા બદલ ૩ બેન્ક તેમજ સી.સી. ની સારી કામગરી બદલ મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી તેઓની કામગીરીને બિરદાવી હતી.
આ તકે આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર, ગોંડલ શ્રી એસ. ગોહિલ, વિવિધ બેન્કના બ્રાન્ચ મેનેજરશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્ય, અધિકારીશ્રીઓ તેમજ સ્વ સહાય જૂથની બહેનો ઉપસ્થિત રહી હતી.






